ભારતીય હવાઇ દળના અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ આજે પાકિસ્તાન અને ચીનને કઠોર શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. ભદોરિયાએ કહ્યું હતું કે, રાફેલ વિમાનના કારણે ભારત ચીન અને પાકિસ્તાનથી પણ વધારે તાકાતવર બની ગયું છે. ભદોરિયાએ કહ્યું હતું કે, બાલાકોટની જેમ જ સ્ટ્રાઈક માટે હવાઈ સેનાની તૈયારી પુરતા પ્રમાણમાં રહેલી છે. હવાઈ દળના વડાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમે કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું હતું કે, રાફેલ વિમાનના કારણે ભારતની સ્થિતિ મજબૂત થઇ છે. બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને ફરી સક્રિય કરવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાનના રિપોર્ટ અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, આ તમામ પ્રકારના અહેવાલથી અમે વાકેફ છીએ. જરૂર પડશે ત્યારે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાની વડાપ્રધાનનું નિવેદન પણ ખુબ જ આઘાતજનક રહેલું છે. સેના પ્રમુખે કહ્યું હતું કે, અમે દરેક પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ભદોરિયાએ હવાઈ દળના વડાનો હોદ્દો આજે સંભાળી લીધો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમે પહેલા પણ તૈયાર હતા અને હજુ પણ સંપૂર્ણપણે તૈયાર છે. કોઇપણ પડકારને પહોંચી વળવા ભારતીય હવાઈ દળ સક્ષમ છે. બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પોને ફરીથી સક્રિય કરવાની રિપોર્ટને લઇને તેઓ સ્પષ્ટપણે વાત કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાન ઇણરાન ખાન દ્વારા ભારત પર પરમાણુ હુમલાની ચેતવણી સાથે સંબંધિત પ્રશ્નના જવાબમાં એર ચીફ માર્શલે કહ્યું હતું કે, આ પરમાણુ પાસાઓને લઇને તેમની પોતાની સમજ છે.
અમારી પોતાની સમજ જુદી છે. અમે મુલ્યાંકન કરી રહ્યા છીએ. કોઇપણ પડકાર માટે તૈયાર છીએ. બાલાકોટ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે સ્પષ્ટપણે વાત કરી હતી. રાફેલ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનાજવાબમાં તેમણે ઉમેર્યું હતું કે, રાફેલ ખુબ જ શક્તિશાળી અને આધુનિક વિમાન તરીકે છે. અમારી સંચાલન ક્ષમતામાં રાફેલના સમાવેશથી ગેમ ચેન્જરની સ્થિતિ સર્જાશે. આના લીધે પાકિસ્તાન અને ચીન પર ભારતની લીડ થઇ જશે. હવાઈ દળના અધ્યક્ષ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ એરચીફ માર્શલે પ્રથમ વખત બાલાકોટના મુદ્દા પર સાફ શબ્દોમાં વાત કરી હતી. હાલમાં એવા અહેવાલ આવી રહ્યા છે કે, બાલાકોટમાં એર સ્ટ્રાઇક વેળા જ્યારે ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા ત્યારબાદથી આતંકવાદીઓ ફરી બાલાકોટ અને અન્ય જગ્યાઓ ઉપર એકત્રિત થઇ ચુક્યા છે અને લોંચ પેડ પણ સક્રિય કરવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ કહી ચુક્યા છે કે, આતંકવાદીઓ હુમલા કરવાના ઇરાદા ધરાવે છે. ઘુસણખોરીના પ્રયાસ પણ થઇ રહ્યા છે. જો કે, ભારત સંપૂર્ણપણે સક્ષમ છે અને પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા તૈયાર છે. પુલવામામાં સીઆરપીએફ કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલા અને ત્યારબાદ તેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદથી બંને દેશો વચ્ચે સંબંધો તંગ બનેલા હતા. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી થયા બાદ બંને દેશો વચ્ચે સંબંધ વધુ વણસી ગયા છે. જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર વિશ્વને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે.
ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ મુદ્દાને ઉઠાવી ચુક્યા છે. અમેરિકા અને ચીન સમક્ષ આ મુદ્દાને ઉઠાવી ચુક્યા છે. જો કે, કલમ ૩૭૦ની નાબૂદી મામલે ભારતને અમેરિકા સહિતના તમામ દેશોનો ટેકો મળી રહ્યો છે અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું મુકાઇ ગયું છે. રાજદ્વારી મોરચે તેને મોટી પછડાટ મળી છે.



















