મેયરને ધક્કે ચડાવવાના કેસમાં ૫૦ના ટોળા સામે ફરિયાદ, ધરપકડની કાર્યવાહી શરૂ

345

વડોદરા મહાનગર સેવા સદનના અંધેર તંત્રના કારણે છેલ્લા દસ માસથી ગંભીર બનેલા પાણીના પ્રશ્ને કોંગ્રેસે શુક્રવારે સભા હોલની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં મેયરને ધક્કે ચઢાવ્યા હતા. આ ઘટના અંગે નવાપુરા પોલીસ મથકમાં ૪૦થી ૫૦ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી. નોંધનીય બાબત એ છે કે, પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ ભાજપા અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે સેટીંગ જોવા મળ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ઓળખ કરીને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

શુક્રવારે કોર્પોરેશનમાં મળેલી સભા પૂર્વે પાણીનો મોરચો લઇને ગયેલા કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો સભા હોલ જવાના માર્ગ ઉપર સૂઇ ગયા હતા. સભા હોલમાં જવા માટે નીકળેલા મેયરને કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું કે, અમારા ઉપર પગ મુકીને સભા હોલમાં જાવ. તેવી ફરજ પડાતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ મેયરને ધક્કે ચઢાવ્યા હતા. ઝપાઝપી થઇ હતી.

આ ઘટના અંગે ભાજપા કાર્યકર જયાબહેન વિનોદભાઇ તડવી (રહે. ચિત્રાનગર, દંતેશ્વર)એ ૪૦થી ૫૦ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકો), કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), મહિલા કાઉન્સિલરો સહિત કોંગ્રેસના કોર્પોરેશનમાં રોજ આવતા અગ્રણીઓ હતા.

પરંતુ, પોલીસે ફરિયાદના આધારે માત્ર પાંચ કાર્યકરો હસમુખ પરમાર, મિતેષ પરમાર, મનોજ આચાર્ય અને હિતેષ બુમડીયા સહિત પાંચ કાર્યકરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleદારૂ ભરેલ કારે રાહદારીઓ અને બાઇકને અડફેટે લીધી, ચાલક નશામાં હોવાની આશંકા
Next articleગ્રામસભા બાદ ૨ જુથ વચ્ચે મારામારી થતા માજી સરપંચની હત્યા કરાઈ