આ વર્ષે પેટ્રોલ ૧૯.૦૩ અને ડીઝલ ૧૭.૩૬ રૂપિયા સુધી મોંઘુ થયું

76

ભાવ ઐતિહાસિક સપાટીએઃ પેટ્રોલમાં ૩૦ અને ડિઝલમાં ૩૫ પૈસાનો વધારો
ન્યુ દિલ્હી,તા.૬
આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં વોલેટાલિટીની વચ્ચે દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ભારતીય તેલ કંપનીઓ દ્વારા ૬ ઑક્ટોબરના રોજ રજૂ કરાયેલા ભાવના મતે પેટ્રોલ અને ડીઝલમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે રાજધાની દિલ્હીમાં ૩૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ આજે સીધું ૫૨ પૈસા મોંઘું થઈ ગયું છે, બીજી તરફ ડીઝલનો ભાવ ૪૯ પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. ૨૪ સપ્ટેમ્બરથી ફરી એક વાર ઈંધણના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ હતી. આજના વધારા બાદ દેશમાં ડીઝલની કિંમતોમાં ૨.૮૦ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં ૧.૮૦ રૂપિયા પ્રતિ લીટરનો વૃદ્ધિ થઈ છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. હાલમાં દેશના ૨૫થી વધુ રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાના, પંજાબ, સિક્કિમ, ઉડીસા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે.આ વર્ષે ૧ જાન્યુઆરીએ પેટ્રોલ ૮૩.૯૭ અને ડિઝલ ૭૪.૧૨ રૂપિયા પ્રતિ લિટર હતું. તે હવે ૧૦૨.૯૪ અને ૯૧.૪૨ રૂપિયા પ્રતિ લિટર થયું છે. એટલે કે ૯ મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ ૧૯.૦૩ અને ડિઝલ ૧૭.૩૬ રૂપિયા સુધી મોંઘુ થયું છે.