ભાવનગરના મેથળા ગામમાં બંધારાનો પાળો તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ, ખેડૂતોએ કરેલી મહેનત એળે ગઈ

7418

પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ?
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે અનેક ગામના લોકોએ શ્રમદાન થકી તૈયાર કરેલા બંધારાનો પાળો તૂટતા હજારો લીટર પાણી દરિયામાં વેડફાઈ ગયું છે. ખેડૂતોની રજૂઆત બાદ પણ બંધારાના પાળાનું સમારકામ ના થયું અને પાળો તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા ખેડૂતોમાં નિરાશા છવાઈ છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં થોડા સમય પૂર્વે ચર્ચાના એરણે ચડેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે દરિયા નજીક આવેલ મેથળા બંધારો ફરી સમાચારમાં છવાયો છે. સરકારી તંત્ર ની એક “રાતીપાઈ” વિના માત્ર લોક ભાગીદારી તથા સેંકડો ખેડૂતો શ્રમજીવીઓ દ્વારા રાત-દિવસ જોયાં વિના અથાગ પરિશ્રમ-શ્રમદાન દ્વારા તૈયાર કરવામાં આવેલ વરસાદી પાણીનાં સંગ્રહ માટે બનાવવામાં આવેલ મેથળા બંધારાનુ અસ્તિત્વ જોખમાયુ છે.તાજેતરમાં પડેલ ભારે વરસાદ ને પગલે આ બંધારો છલકાઈ ગયો હતો. પરંતુ સમુદ્ર તરફ આવેલ પાળાનું ભારે વરસાદ ને પગલે ધોવાણ થયું હતું અને આ પાળાના તત્કાળ સમારકામ માટે ખેડૂતો એ માંગ પણ કરી હતી. આજે વહેલી સવારે ક્ષતિગ્રસ્ત પાળાનો કેટલોક ભાગ તૂટી પાણીના પ્રવાહમાં વહી જતાં બંધારામાંથી પાણીનો રીસાવ શરૂ થયો હતો અને જોતજોતામાં હજારો લીટર પાણી વહેવા લાગતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થયા હતા. પરંતુ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોય જેને અટકાવવા માટે પ્રારંભિક તબક્કે આદરેલ મહેનત એળે ગઈ હતી.આથી ખેડૂતો ની એક ટીમ સ્થળ પર પહોંચી છે અને પાળાનુ તાકિદે સમારકામ હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મુદ્દે લોકોમાં થતી ચર્ચા મુજબ દરિયા તરફના પાળાને મજબૂત કરવા અને સિમેન્ટ-કોક્રિટથી રક્ષિત કરવા સરકાર તથા નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ અંગે કોઈએ દાદ ન આપી હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે આ પાળો તૂટ્યો હોવાની ચણ-ભણ લોકોમાં થઈ રહી હતી.