ભક્તિ તથા શક્તિના મહાપર્વ નવલાં નોરતાંનો આરંભ,પહેલાં નોરતે મંદિરોમાં ભાવિકો દર્શનાથે ઉમટ્યા

575

નવ દિવસ ગોહિલવાડમાં મા શક્તિની અનેરી ભક્તિની હેલી જામશે, માઈ ભક્તોમાં હરખ
આદ્યશક્તિ મા જગદંબા-ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થઈ રહ્યું છે, ત્યારે ગોહિલવાડમાં શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે. આ ભક્તિના પર્વમાં રાસ-ગરબે રમવા યુવાધન અધિરૂ બન્યું છે નવરાત્રિ સંદર્ભેની વિવિધ ખરીદી માટે ભાવનગર શહેરમાં લોકોએ ભારે ભીડ જમાવી હતી.

હિન્દુ ધર્મ-શાસ્ત્રોમાં સાંસારિક જીવન સાથે ભક્તિનો અદ્દભૂત મહિમા વર્ણવ્યો છે, ગૃહસ્થી ગૃહસ્થાશ્રમની નૈતિક ફરજો સાથે આત્માના ઉધ્ધારનું પણ નિર્લેપ નિષ્કામ કર્મો થકી પોતાના આત્માનું પણ કલ્યાણ કરી શકે અને ઈશ્વરીય પરમ તત્વને પ્રાપ્ત કરી શકે એ માટે બાર માસ દરમિયાન ઈશ્વર સમિપ લઈ જતાં પ્રસંગો તહેવારોની સુંદર ગોઠવણ સંસાર રચયિતાએ કરી છે. જેમાં સકળ સૃષ્ટિનો ઉદ્દભવ માની કુખે થયો છે, આ માને વિવિધ ભક્તિ કર્મો થકી પ્રસન્ન કરવી અને આત્માની ઉન્નતિ માટે દર વર્ષે આસોસુદ એકમ થી સુદ નોમ ને મહા નવરાત્રિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે.
આ નવ દિવસ દરમ્યાનમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના સાથે ભોળાભાવે ગુણગાન ગાવામાં આવે છે. આજથી શરૂ થતાં નવલાં નોરતાંમાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ નોરતાંની ઉજવણી કરશે. નોરતાં યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે નવ દિવસ સુધી અવનવા વસ્ત્ર-અલંકારોથી સજી-ધજીને ગરબે રમવા થનગની રહ્યાં આ વર્ષે શેરી ગરબાના જ આયોજનો થવાના હોય આથી વાલીઓ ને પણ રાહત થઈ છે શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓ શેરીઓ માં નવરાત્રિ સંદર્ભે ની તૈયારીઓ ને આખરીઓપ આપવામાં આવ્યો હતો.
એજ રીતે શહેર-જિલ્લામાં આવેલા વિવિધ મંદિરોમાં પણ નવરાત્રિ સંદર્ભેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજ રાતથી ગામડાઓમાં ભુંગળના સૂરે ભવાઈ પ્રાચીન-અર્વાચીન ગરબીની પણ ધૂમ મચશે, તો બીજી તરફ માઈ ભક્તો નવ દિવસ સુધી માતાજીના ખાસ અનુષ્ઠાન દ્વારા મા ને પ્રસન્ન કરવા ભક્તિ કરશે નવરાત્રિના નવલાં દિવસોમાં શુભ માંગલિક કાર્યો માટે પણ લોકો તત્પર બન્યાં છે. જેમાં ગૃહ પ્રવેશ-વાસ્તુ પ્રોપર્ટીની ખરીદી વાહનોની ખરીદી સાધનો સહિતની બાબતો અંગે પણ માર્કેટ ગતિશીલ બનશે. રીયલ એસ્ટેટ, ઝવેલરી નવા વાહનોમાં અર્થતંત્ર નો નવો સચાર થશે આમ નવલાં નોરતાની ઉજવણી ભવ્યતી ભવ્ય બની રહેશે.