ખેડૂત આંદોલનના સ્થળ પર યુવકની નિર્દયતાથી હત્યા

229

પોલીસે મૃતદેહને કબ્જે કર્યો છે તથા સોનીપતની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે, એફએસએલની ટીમ ઘટનાસ્થળે
નવી દિલ્હી, તા.૧૫
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોટી ઘટના ઘટી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર એક અજાણ્યા વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ખેડૂત આંદોલન સ્થળ કુંડલીમાં સિંઘુ બોર્ડર પર ગુરુવારે રાતે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી. યુવકની ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે. પોલીસે મૃતદેહને કબ્જે કર્યો છે તથા સોનીપતની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ૩૫ વર્ષના યુવકનો જમણો હાથ કાપીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો. યુવકનો મૃતદેહ સંયુક્ત કિસાન મોરચાના મુખ્ય મંચ પાસે મળી આવ્યો છે. યુવકના શરીર પર ધારદાર હથિયારથી હુમલાના નિશાન મળ્યા છે અને તેનો હાથ કાંડેથી કાપી નાખવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ જાણકારી આપતા બચી રહી છે. દેશમાં વિવિધ ભાગોમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, અને પશ્ચિમ યુપીના ખેડૂત ગત વર્ષ નવેમ્બરથી દિલ્હીની તમામ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને તેમને ડર છે કે તેનાથી ટેકાના ભાવ ખતમ કરી દેવાશે અને તેમને મોટા કોર્પોરેટની દયા પર છોડી દેવાશે. જો કે સરકાર ત્રણ કાયદાને પ્રમુખ કૃષિ સુધારા તરીકે રજુ કરી રહી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ૧૦ રાઉન્ડની વાતચીત અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યું નથી.

Previous articleહથિયારો બનાવતી ૭ નવી કંપની વડાપ્રધાને દેશને સમર્પિત કરી
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૮૬૨ નવા કેસ નોંધાયા