ભાવનગરની ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળા નં ૬૨માં ઘો. ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવાતા સવાલો ઉઠ્‌યાં

315

સમગ્ર મામલે કાર્યવાહી કરવાને બદલે શાસનાધિકારીએ મામલાને દબાવવાનો હીન પ્રયાસ કર્યો : કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ધોરણ ૧થી૫ના ઓફલાઈન વર્ગો બંધ રાખવામાં આવ્યાં છે
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૬૨માં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું છે. શાળમાં સરકારના નિયમોને નેવે મૂકી ધોરણ ૧ થી ૫ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હોવાના દૃશ્યો સામે આવ્યાં હતા. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં જ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી રાજ્ય શિક્ષણ વિભાગના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હોય તેવું જોવા મળ્યું હતું. કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા પ્રથમ કોલેજો અને ત્યારબાદ ધોરણ-૬ થી ૧૨ના શૈક્ષણિક વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને નાના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ધોરણ ૧ થી ૫ ના વર્ગો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. શહેરના હાદાનગરમાં આવેલી મ્યુ.શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં ૬૨માં ધો.૧થી૫ ના વર્ગો શરૂ કરી બાળકોને અભ્યાસ માટે શાળાએ બોલાવામાં આવી રહ્યા છે, કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારે હજુ સુધી ધો.૧થી ૫માં ઓફલાઇન શિક્ષણને મંજૂરી નથી આપી પરંતુ ભાવનગરમાં સરકારી શાળામાં જ કોરોના ગાઈડલાઈનો ભંગ કરી શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાતા પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જો કોઈ બાળકો કોરોના સંક્રમિત થશે એની જવાબદારી કોની રહશે..?આ મામલે શાળાના આચાર્યએ પોતે વર્ગ અભ્યાસ ક્રમથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જ્યારે શાસનાધિકારીએ શેરી અભ્યાસમાં મામલો ખપાવવા પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ સમાચાર કવરેજ કરવા ગયેલા પ્રાદેશિક ચેનલના કર્મચારીને મોબાઈલ પર ફોન કરી રિપોર્ટરના સંતાનનું નામ અને કઈ શાળામાં અભ્યાસ કરે છે તે વિગતો શાસનધિકારીએ પૂછી ધમકાવવા પ્રયાસ કર્યો હતો. આથી વિવાદ વધ્યો છે. આખરે શિક્ષણ સમિતિની શાળામાં ધો. ૧થી ૫ માં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી કોણે આપી, સરકારની સૂચના શાસનાધિકારી કેમ ગણકારતા નથી.? તે સહિતના પ્રશ્નો ઉઠ્‌યા છે.આ મુદ્દે મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શાળાઓ શરુ કરવા અંગે જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. તેમજ મીડિયાકર્મી સાથે થયેલા ગેર વર્તન અંગે પણ ખુલાસો માગવામાં આવશે.