સણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ

9

સાડા ત્રણ વર્ષની રજા ન ભોગવી કર્તવ્ય નિષ્ઠાનું પાલન કરેલું
સણોસરા ગામે બજરંગદાસબાપા માધ્યમિક શાળામાં ફરજ દરમિયાન સાડા ત્રણ વર્ષની રજા ન ભોગવનાર કર્તવ્યનિષ્ઠ આચાર્યનું નિવૃત્તિ સન્માન થયું છે.
સર્વોદય કેળવણી મંડળ સંચાલિત બજરંગદાસબાપા માધ્યમિક શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ ગોહિલ છેલ્લા ૨૩ વર્ષથી આચાર્ય તરીકે શિસ્ત સાથે શિક્ષણના આગ્રહી રહેલા, જેઓ નિવૃત્ત તથા ગત રવિવારે અગ્રણીઓની ઉપસ્થિતિમાં ’શિક્ષણનો ઉજાસ’ સમારોહ યોજાયો હતો. સન્માનિત ઘનશ્યામસિંહ ગોહિલે પોતાના કાર્યકાળની સફળતા માટે સંચાલક મંડળ સાથે શિક્ષકગણને યશ આપ્યો હતો. તેઓએ દાતા સ્વર્ગસ્થ બાલાભાઈ માંગુકિયા દ્વારા શાળા સહયોગ અને હૂંફ મળ્યાનું જણાવ્યું. ઉલ્લેખનિય બાબત મુજબ આચાર્ય ફરજ દરમિયાન ૧૨૫૦ જેટલી એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષની રજા ન ભોગવનાર સતત શાળાના સંવર્ધન અને જતનમાં જ પ્રવૃત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ બટુકભાઈ માંગુકિયાએ સન્માનિત આચાર્યની કાર્યપ્રણાલી બિરદાવી અને દાતાના દાન સાથે વાલીઓના વિશ્વાસને તેઓએ બાળકોના શિક્ષણ સંસ્કારમાં ભરપૂર ઉગાવી બતાવ્યાનુ કહ્યું. અહીં નિવૃત્ત થતાં ઘનશ્યામસિંહ ગોહિલને સંચાલક મંડળમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.કાર્યક્રમમાં શોભનાબેન વાઘાણીના સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર અભિનય ગીતો રજૂ થયા હતા. આ પ્રસંગે નરેન્દ્રભાઈ કોટેચા, દિલીપભાઈ ભાવસાર, ભાવેશભાઈ શિહોરા, ગોપાલભાઈ ખટાણાએ પ્રાસંગિક વાતો કરી હતી.