ગઢચિરોલીના જંગલમાં ૨૬ નક્સલવાદીને ઠાર કરાયા

2

મુંબઇ , તા.૧૪
ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નકસલીઓમાં થયેલ ભીષણ અથડામણમાં નક્સલવાદીઓનો સુપ્રીમ કમાન્ડર મિલિંદ તેલતુંબડે ઠાર થયો હોવાની માહિતી સામે આવી છે. જોકે પોલીસે હજી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. મિલિંદ તેલતુંબડે સહ્યાદ્રી તરીકે પણ કુખ્યાત છે અને તેના નામ પર ૫૦ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આસિવાય દંડકારણ્ય ભાગમાં થયેલ વધુ એક અથડામણમાં બીજો એક મોટો નક્સલી નેતા જોગન્ના પણ ઠાર થયો હોવાનું બહાર આવ્યું છે.મહારાષ્ટ્રના નક્સલવાદીગ્રસ્ત ગઢચિરોલીના જંગલમાં આજે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં પોલીસના સી-૬૦ કમાન્ડો ફોર્સે ૨૬ ખૂનખાર નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. આજે દિવસભર ચાલેલી અથડામણમાં સી-૬૦ ફોર્સના ત્રણ જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. તેમને હેલિકોપ્ટરમાં એરલીફ્ટ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા થોડા વર્ષ દરમિયાન અથડામણ દરમિયાન આટલી મોટી સંખ્યામાં મોતના સોદાગર માઓવાદીઓનો સફાયો કરવાની જબરજસ્ત કામિયાબી પોલીસે મેળવી હતી. આ અથડામણ વખતે પોલીસે નક્સલવાદીઓની કેટલીય છાવણીઓ નેસ્તનાબૂદ કરી નાખી હતી. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારાપત્તી, કોટગુલ વિસ્તારના જંગલોમાં નક્સલીઓની છાવણીઓ ઉભી કરવામાં આવી છે અને કોઇ મોટી ખાનાખરાબીના કૃત્યને અંજામ આપવા માટે નક્સલવાદીઓ શસ્ત્ર-સરંજામ સાથે તૈયાર બેઠા છે એવી બાતમી મળી હતી. તરત જ નક્સલવાદી વિરોધી સ્પેશ્યલ ફોર્સ સી-૬૦ કમાન્ડો આ જંગલ વિસ્તારમાં ધસી ગયા હતા. પોલીસ ટીમને જોઇને નક્સલવાદીઓએ બેફામ ગોળીબાર શરૂકરી દીધો હતો. પોલીસે અત્યાધુનિક ગન અને બીજા શસ્ત્રો સાથે પૂરી તાકાતથી વળતો ગોળીબાર ચાલુ કર્યો હતો. જોતજોતામાં ગઢચિરોલીનું જંગલ ધાણીની જેમ ફૂટતી બંદૂકોના ધડાકાથી ગાજી ઉઠયું હતું. સવારથી સાંજ સુધી ચાલેલી આ અથડામણમાં ૨૬ નક્સલવાદીઓને મોતને ઘાત ઉતારવામાં આવ્યા હતા. અથડામણના સ્થળેથી મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો હસ્તગત કરવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. મોડી સાંજે અથડામણ પૂરી થયા બાદ સર્ચલાઇટની મદદથી પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની અથડામણમાં ઘાયલ થયેલા નક્સલવાદીઓને તેમના સાથીઓ નાસતી વખતે સાથે લઇ ગયા હતા.