હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ કોંગી પ્રમુખે તોડી પાડી : પોલીસ દોડી ગઈ

7

વહેલી સવારે કોંગી પ્રમુખ તેમજ કોર્પોરેટરોએ ગોડસેની પ્રતિમાને પથ્થરોના ઘા મારી ગોડસેનું માથું નીચે ફેંકી દીધુ : શહેરના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ : અન્ય રાજકીય પક્ષો દરમિયાનગીરી કરશે કે શું ?
જામનગર શહેરમાં હિન્દુ સેના દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા નિપજાવનાર નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી જેનો અગાઉ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનું જાહેર કરાયાની જાહેરાત કર્યા પછી આજે શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અને કોંગ્રેસ પ્રમુખ તથા એક કોર્પોરેટરે પથ્થરમારો કરીને પ્રતિમાને તોડી નાખી છે.

જેથી શહેરમાં નવો વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.“આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં હિન્દુ સેના દ્વારા મહાત્મા ગાંધીની હત્યા નિપજાવનારા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવાનું જાહેર કરાયા પછી શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હિન્દૂ સેના દ્વારા પ્રતિમાને જાહેરમાં મુકવા માટેની મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ જમીન ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તે અંગે કોઈ જમીન ફાળવવામાં આવી ન હતી.“દરમિયાન ગઈકાલે નથુરામ ગોડસેની જન્મ જયંતીના દીવસે હિન્દુ સેના દ્વારા જામનગરમાં દરબારગઢ નજીકના વિસ્તારમાં એક ખાનગી જગ્યામાં નથુરામ ગોડસે ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જે અંગેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા પછી જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તે મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા તેમજ કોર્પોરેટર ધવલ નંદા આજે સવારે જે સ્થળે મૂર્તિ સ્થાપિત થઇ છે, ત્યાં પહોંચ્યા હતા, અને સૌપ્રથમ પથ્થરમારો કરી મૂર્તિને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી, કે જો પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો તેને નષ્ટ કરવામાં આવશે. જે અનુસાર આજે આ પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી. જેથી સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જામનગરનું પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને હજુ આ પ્રકરણમાં વધુ નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.