રાકેશ પછી શમિતા બિગ બોસના ઘરમાંથી નીકળી

4

મુંબઈ, તા.૧૬
રિયાલિટી શૉ બિગ બોસની અત્યારે ૧૫મી સીઝન ચાલી રહી છે. શોમાં સતત નવા નવા ટિ્‌વસ્ટ સામે આવતા હોય છે. થોડા સમય પહેલા જ શૉ પર નેહા ભસિન અને રાકેશ બાપટની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. પરંતુ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને કારણે રાકેશ બાપટ બિગ બોસના ઘરમાંથી બહાર આવી ગયો છે. એવી જાણકારી સામે આવી છે કે, શમિતા શેટ્ટી પણ શોમાંથી બહાર આવી ગઈ છે. આ વાત સામે આવી ત્યારથી જ બિગ બોસના અને ખાસકરીને શમિતા શેટ્ટીના ફેન્સમાં કુતુહલ છે કે આખરે તે કેમ એકાએક બહાર નીકળી ગઈ. ઉલ્લેખનીય છે કે રાકેશ બાપટની તાજેતરમાં જ ઘરમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે સારવાર માટે તેને ઘરમાંથી બહાર નીકળવુ પડ્યુ હતું. જો કે સલમાને શમિતા શેટ્ટી અને ઘરના અન્ય સભ્યોને પછી જાણકારી આપી કે રાકેશની તબિયત હવે સારી છે અને સ્થિતિમાં સુધારો છે. પરંતુ તે હવે શૉ પર પાછો નથી ફરવાનો, જેથી તે થોડો સમય પૂરતો આરામ કરી શકે. રાકેશ ઘરમાંથી નીકળ્યો પછી શમિતા ખૂબ રડી હતી. હવે જાણકારી મળી છે કે શમિતા શેટ્ટી પણ બિગ બોસના ઘરમાંથી બહાર આવી ગઈ છે. શમિતાના માતા સુનંદા શેટ્ટીએ પોતાના ટિ્‌વટર હેન્ડલના માધ્યમથી જણાવ્યું કે તેમની દીકરી જરુરી ટેસ્ટ કરવાના હોવાથી બહાર આવી છે અને ટુંક જ સમયમાં બિગ બોસના ઘરમાં વાપસી કરશે. રાકેશ બાપટે પણ ઘરમાંથી બહાર આવ્યા પછી સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું. તેણે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા તે જે સમસ્યાનો શિકાર હતો. તે ફરીથી પાછી આવી છે. પરંતુ તેને જાણ નહોતી કે આ સમસ્યા તેના બિગ બોસના ઘરમાંથી પાછા આવવાનું કારણ બની જશે. તેણે લોકોનો પ્રાર્થનાઓ અને શુભકામનાઓ માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.