રાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ

9

વેપારીએ રાડા-રાડ કરતા બે જાગૃત વેપારીઓ બચાવવા આવતા લૂંટ કરવા આવેલા શખ્સ બન્નેને છરીના ઘા ઝીંકી નાસી છુટ્યો : ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના ઘટના સ્થળે દોડી ગયા
રાજુલા ખાતે છતરીયા રોડ ઉપર સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી ઉપર આજે સવારે વેપારી દુકાન ખોલે તે પૂર્વે જ અજાણ્યા શખ્સે આવી આંખમાં મરચું છાંટી દાગીના ભરેલ થેલો લૂંટવાની કોશીષ કરતા બે જાગૃત વેપારીઓ આવી જતા વચ્ચે પડતા બન્નેને છરીઓના ઘા ઝીંકી લૂંટ કરવાના ઇરાદે આવેલો શખ્સ નાસી છુટ્યો હતો. સવારમાં બનાવ બનતા રાજુલા પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી અને બનાવની જાણ થતાં પોલીસ કાફલો અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજુલા ખાતે છતરીયા રોડ ઉપર ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી પ્રફુલભાઇ પટેલ નિત્યક્રમ મુજબ આજે સવારે દાગીનાનો થેલો લઇને દુકાન ખોલવા આવ્યા હતા. તેઓ દુકાન ખોલતા હતા તે અરસામાં એક અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને પ્રફુલભાઇની આંખમાં મરચું છાંટ્યું હતું અને તેમની પાસે રહેલ દાગીનાનો થેલો લૂંટવાની કોશીષ કરતા તુરંત પ્રફુલભાઇએ રાડારાડ કરતા અન્ય બે જાગૃત વેપારીઓ પરેશભાઇ ઠક્કર અને ગોપાલભાઇ રાઠોડ દોડી ગયા હતાં અને પ્રફુલભાઇને છોડાવવાની કોશીશ કરતા લૂંટ કરવા આવેલા અજાણ્યા શખ્સે બન્ને સાથે ઝપાઝપી કરીને પોતાની પાસે રહેલી છરી કાઢી બંનેને છરીઓના ઘા ઝીંકી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ થતા જ લોકોના ટોળે-ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા તુરંત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સહિત આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયેલ અને બન્ને ઇજાગ્રસ્ત વેપારીઓને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સવારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતાં વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે.