યુરોપમાં કોરોના વકર્યો, ફરીથી પ્રતિબંધો લગાવતાં ઠેર-ઠેર તોફાન

4

કેસો વધતાં અમુક દેશોએ પ્રતિબંધ લગાવવાના શરૂ કર્યાં : જર્મનીમાં સાત દિવસના કોરોના સંક્રમણનો દર મહામારી શરૂ થયાના સમયથી સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, યુરોપના દેશોમાં કોરોનાનો હાહાકાર
નવી દિલ્હી , તા.૨૩
યુરોપમાં કોરોના વકર્યો છે, અને આ વખતે કોરોનાનાં કેસો વધતાં ચિંતામાં બમણો વધારો થયો છે. કેમ કે, એકબાજુ કેસો વધી રહ્યા છે, તો બીજી બાજુ કોરોનાના પ્રતિબંધો લગાવવામાં આવતાં યુરોપનાં અમુક દેશોમાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા છે. યુરોપમાં નવા કેસોનો આંક સતત વધી રહ્યો છે. ગત અઠવાડિયે ડબલ્યુએચઓએ જણાવ્યું કે, હાલના સમયમાં યુરોપ એ મહામારીનું હોટ સ્પોટ છે, અને હાલના સમયમાં યુરોપમાં કોરોનાના મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. દુનિયામાં સૌથી વધારે વેક્સિનેશન યુરોપના દેશોમાં થયું છે, તેમ છતાં અહીં ફરીથી કોરોનાએ માથું ઊંચકતાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. અને કેસો વધવાની સાથે પ્રતિબંધો લગાવવામાં આવતાં લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમુક દેશોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. અને યુરોપના અમુક શહેરોમાં એન્ટી વેક્સિનેશન માર્ચ પણ કાઢવામાં આવી રહ્યા છે. ફ્રાન્સમાં એક જ અઠવાડિયામાં કોરોનાનાં કેસોમાં ૮૧ ટકાનો ઉછાળો આવ્યો છે. ગત અઠવાડિયે ફ્રાન્સમાં કોરોનાનાં ૯૪૫૮ કેસો નોંધાયા હતા, જેની સામે આ અઠવાડિયામાં શનિવાર સુધી ૧૭,૧૫૩ કેસો નોંધાયા છે. ફ્રાન્સના સરકારી પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, પાંચમી વેવ પ્રકાશની ગતિએથી આગળ વધી રહી છે. જર્મનીમાં સાત દિવસના કોરોના સંક્રમણનો દર મહામારી શરૂ થયાના સમયથી સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, રવિવારે સતત ૧૪માં દિવસે આ રેટ ૩૭૨.૭ ટકા નોંધાયો હતો. અને અમુક વિસ્તારોમાં આ રેટ ૧૦૦૦ને પાર થઈ ચૂક્યો છે. ગત ડિસેમ્બરમાં મહામારીની ત્રીજી વેવનો રેટ ૧૯૭.૬ હતો. જર્મનીમાં અત્યાર સુધીમાં કુલ ૫.૩૫ મિલિયન કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ૯૯,૦૬૨ લોકોનાં મોત નિપજ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા માટે ઓસ્ટ્રેલિયામાં સોમવારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અને ૨૦ દિવસ સુધી લોકડાઉન લાગુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, ૧૦ દિવસ બાદ ફરીથી કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ લોકડાઉન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પશ્ચિમ યુરોપમાં ઓસ્ટ્રિયામાં સૌથી ઓછું રસીકરણ થયું છે. કોરોનાનાં કેસો વધવાને કારણે ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. પણ ગત વખત કરતાં આ વખતે લોકો આ પ્રતિબંધોનો ભારે વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનોમાં વેક્સિનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બ્રસેલ્સમાં કોરોનાના પ્રતિબંધોના વિરોધમાં ૩૫ હજારથી વધુ લોકો જોડાયા હતા. લોકોની માગ હતી કે, જેમણે રસી લીધી છે તેઓને બાર અને રેસ્ટોરાં જેવી જગ્યાઓએ પ્રવેશ આપવામાં ન આવે. પ્રદર્શનકારીઓએ આગચંપી કરી હતી અને સાથે સાથે પોલીસ વાન ઉપર પણ હુમલો કર્યો હતો. આ ઉપરાં ડચ શહેરોમાં પણ હિંસક દેખાવો યોજાયા હતા. ગ્રોનિન્જન અને લિયુવોર્ડનમાં પ્રદર્શનકારીઓ દ્વારા આતશબાજી કરવામાં આવી હતી અને સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગત શુક્રવારની રાત્રે રોટરડેમમાં સ્થિતિ બેકાબૂ બની હતી. નવેમ્બર ૧૩ના રોજ નેધરલેન્ડ દ્વારા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અને જેમણે વેક્સિન લીધી નથી તેઓને બાર અને રેસ્ટોરાં જેવી જગ્યાઓએ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રિયાના લિંઝ શહેરમાં આંશિક લોકડાઉનના વિરોધમાં અંદાજે ૬૦૦૦ લોકો એકઠાં થયા હતા, જેના એક દિવસ અગાઉ વિયેના શહેરમાં ૪૦ હજાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. દેશના ઈન્ટિરિયર મિનિસ્ટર કાર્લ નેહમારે જણાવ્યું કે, એન્ટી કોરોના વાયરસના પ્રદર્શન કટ્ટરપંથી છે. જમણેરી અને નિયો નાઝી દ્વારા આ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.