કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી

2

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો : સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને અધિકૃત રીતે રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે અને તે માટે સરકાર દ્વારા બિલ લાવવામાં આવશે
નવી દિલ્હી, તા.૨૪
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારબાદ હવે ૨૯ નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને અધિકૃત રીતે રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે અને તે માટે સરકાર બિલ લાવશે.
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બરના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ઘરે પાછા ફરવા પણ અપીલ કરી હતી અને એમએસપીને પ્રભાવી તથા પારદર્શક બનાવવા માટે સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે એમએસપીને વધુ પ્રભાવી અને પારદર્શક બનાવવા માટે, એવા તમામ વિષયો પર, ભવિષ્યને ધ્યાનમાં રાખતા, નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ હશે. ખેડૂતો હશે, કૃષિ વૈજ્ઞાનિકો હશે અને કૃષિ અર્થશાસ્ત્રી પણ હશે. પીએમ મોદી દ્વારા કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ ખેડૂત સંગઠનોએ પ્રદર્શન બંધ ન કરવાનો નિર્ણય લીધો અને કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખશે જ્યાં સુધી સંસદની પ્રક્રિયા પૂરી ન થઈ જાય. હવે સવાલ એ છે કે મોદી કેબિનેટ તરફથી કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ ખેડૂતોનું આંદોલન ખતમ થશે કે નહીં. નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. આ અગાઉ સરકારે કાયદામાં ફેરફારની જાહેરાત કરી હતી. તેને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત કરી હતી પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યું નહીં.