બોટાદમાં PGVCLની ટીમ ત્રાટકી, 87 કનેક્શનોમાં રૂ. 21.38 લાખની વીજ ચોરી ઝડપાઈ

112

એસઆરપી અને વીડિયોગ્રાફરને સાથે લઈ 22 ટીમોએ સઘન વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી
બોટાદ શહેરમાં પીજીવીસીએલની અલગ અલગ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 21.38 લાખની વીજચોરી ઝડપાઈ હતી. ચેકિંગ ડ્રાઈવમાં વીજચોરી આચરતા 87 આસામીઓ આબાદ ઝડપાઈ ગયા હતાં. આ આસામીઓના વિજ જોડાણો કટ્ટ કરી 21.38 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને લઈ વિજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની કચેરી દ્વારા યોજાયેલી કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવ અંતર્ગત જિલ્લાના બરવાળા, કેરીયા-2, રામપરા, કાપડીયાળી સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. તથા રાણપુર પેટા વિભાગ હેઠળ આવતા ચંદરવા, સુંદરીયાણા સહિતના વિવિધ ગામોમાં પણ પોલીસ તેમજ એસઆરપી અને વીડિયોગ્રાફરને સાથે લઈ 22 જેટલી વીજ ચેકિંગ ટીમોએ સઘન વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.
આ સઘન ચેકીંગમાં કુલ- 534 જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યાં હતા. જેમાંથી 87 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. અંદાજે રૂ.21.38 લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ચેકિંગ ડ્રાઈવ યથાવત રહેશે.

Previous articleશિયાળાની ઋતુમાં પણ લીલા શાકભાજીના ભાવ આસમાને
Next articleતંત્ર હરકતમાં આવ્યું ઓમિક્રોનને પહોંચી વળવા ભાવનગરની સર.ટી. હોસ્પિટલ સજ્જ