તંત્ર હરકતમાં આવ્યું ઓમિક્રોનને પહોંચી વળવા ભાવનગરની સર.ટી. હોસ્પિટલ સજ્જ

107

ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો, 20 બેડની વ્યવસ્થાં કરાઈ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની રાજ્યમાં એન્ટ્રી થતાં તંત્ર હરકતમાં આવ્યું
ભાવનગરના પ્રવેશદ્વારે આરોગ્ય વિભાગે ખાસ ચેક પોસ્ટ ઉભી કરી, રેલવે સ્ટેશન પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત વિશ્વભરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોને દહેશત ફેલાવી છે. ત્યારે રાજ્યમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યાં છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ભાવનગરમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સર. ટી. હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બીજા નવા વધારાના બેડની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે.

ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ કોરોના માટે હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થાં છે, હોસ્પિટલમાં હાલ પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે, 35 હજાર લીટર ઓક્સિજન હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જિલ્લાની સૌથી મોટી સર. ટી. હોસ્પિટલમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ દર્દી દાખલ નથી. જોકે, તેમ છંતા હોસ્પિટલ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેટ રાખવામાં આવશે. આ વોર્ડમાં 20 બેડ અલગથી ઉભા કરવામાં આવ્યાં છે.

બીજા શહેરમાંથી આવતા લોકોના RT-PCR ટેસ્ટ માટે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ખાસ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રેલવે દ્વારા બહારગામથી આવતા લોકો માટે પણ સ્કિનિંગ, રેપીડ ટેસ્ટ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ હવે કોરોનાનું નવું વેરીઅન્ટ ઓમીક્રોન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. જેની સામે લડવાના ભાગ રૂપે ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રએ રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના મુજબ પૂર્વ તૈયારીઓ હાથ ધરી છે. સર. ટી. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનના સંભવિત દર્દીઓ માટે સર. ટી. હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં 20 બેડની વ્યવસ્થાં કરવામાં આવી છે. પોઝિટિવ દર્દીઓ માટે 15 અને શંકાસ્પદ દર્દીઓ માટે 5 અલગ-અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.