ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું દુઃખદ અવસાન

31

ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા : દિલ્હીથી પરત ફર્યાં બાદ તેમને ડેન્ગ્યુ થયાનું રિપોર્ટમાં આવ્યું હતું, તે પછી મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થયા હતા
અમદાવાદ, તા.૧૨
મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય ડો આશાબેન પટેલનું અમદાવાદમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું હતું. તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીથી પરત ફર્યાં બાદ તેમને તાવ આવ્યો હતો અને પછી ડેન્ગ્યુ થયાનું રિપોર્ટમાં આવ્યું હતું. તે પછી તેમની એકાએકા તબિયત લથડી હતી. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ખબરઅંતર પૂછવા ઝાયડસ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ધારાસભ્ય આશાબેન પટેલ તા.૭મીએ દિલ્હીથી ઉંઝા પરત ફર્યા હતાં. ડેન્ગ્યુને કારણે અચાનક જ એટલી હદે તબિયત કથળી હતી કે, લિવર ડેમેજ થયુ હતું. બે દિવસ સુધી તેમની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરવામાં આવી હતી પણ તબિયત વધુ લથડતાં આશાબેન પટેલને વધુ સારવાર આૃર્થે તાકીદે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં. ડો. આશા પટેલ વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ઊંઝા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે નારાજ આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા. વર્ષ ૨૦૧૯માં ભાજપે તેમને ઊંઝા બેઠક પરથી ફરી ટિકિટ આપી અને આશા પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ઊંઝા APMC માં આશા પટેલનું પ્રભુત્વ રહ્યુ હતું. સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સીધા જ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ ધારાસભ્ય આશાબેન પટેલની ખબરઅંતર પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.