બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો પહેલા-બીજા ડોઝથી અલગ હોવો જોઈએ?

24

નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનનું કહેવું છે : વૈજ્ઞાનિક પુરાવાની સમીક્ષા બાદ સરકારને વેક્સીનેશન માટે રસ્તો દેખાડનારી ટોચની સંસ્થા એનટીએજીઆઈ બૂસ્ટરની આવશ્યકતાનું મૂલ્યાંકન કરી રહી છે
દિલ્હી,તા.૧૩
દેશ-વિદેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો વધી ગયો છે. કેટલાય દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ ભારતમાં આ નવા વેરિઅન્ટે સકંજો કસ્યો છે. અત્યારસુધી દેશમાં ઓમિક્રોનના ૩૫થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ વચ્ચે દેશની સર્વોચ્ચ ટેકનિકલ સંસ્થા નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનના નિષ્ણાતોમાં પ્રારંભિક રૂપથી સર્વસંમતિ છે કે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ પહેલા અને બીજા ડોઝની વેક્સીનથી અલગ હોવો જોઈએ. રિપોર્ટ મુજબ વરિષ્ઠ સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે રસીકરણ નીતિ અને કાર્યક્રમો પર વૈજ્ઞાનિક પુરાવાની ટેકનિકલ સમીક્ષા બાદ સરકારને વેક્સીનેશન માટે રસ્તો દેખાડનારી ટોચની સંસ્થા એનટીએજીઆઈ હજુ પણ બૂસ્ટરની આવશ્યકતાનું મૂલ્યાંકન કરી રહી છે. સંસ્થાની અંદર સર્વસંમતિ છે કે ત્રીજો ડોઝ કે બૂસ્ટર ડોઝમાં અપાતી વેક્સીન પહેલા અને બીજા ડોઝના મેડિકલ આધારથી અલગ હોય. ઉદાહરણ તરીકે, તે નિષ્ક્રિય-વાયરસ અથવા એડેનોવાયરસ વેક્ટર રસીથી અલગ આધારની હોવી જોઈએ. દેશમાં બની રહેલી ભારત બાયોટેકની કોવેક્સિન એક નિષ્ક્રિય વાયરસ વેક્સિન છે, જ્યારે સીરમ ઇન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ (ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા) વેક્સીન અને રશિયાની સ્પૂતનિક વી એડેનોવાયરસ આધારિત રસી છે. એક વરિષ્ઠ સરકારી ઓફિસરનું કહેવું છે કે થોડી સ્પષ્ટતા છે કે જો કોઈ વ્યક્તિને વધારાનો ડોઝ આપવામાં આવે, તો ઓછામાં ઓછા નિષ્ક્રિય વાયરસ અથવા એડેનોવાયરસ વેક્ટર COVID-19 રસીના કેસમાં એક જ વેક્સીન ન હોઈ શકે. તેથી પ્રારંભિક સર્વસંમતિ એ છે કે એક લાભાર્થી Covishield અથવા Covaxin ના ત્રણ ડોઝ લઈ શકતા નથી. સૂત્રોએ કહ્યું કે આનો અર્થ એ પણ છે કે કોવિશીલ્ડ સાથે બે ડોઝ લેનાર વ્યક્તિ માટે ત્રીજો ડોઝ કોવેક્સિન હોઈ શકતો નથી.