ઓડિશાથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ

21

ભારતની મિસાઈલ પરીક્ષણમાં વધુ એક સિદ્ધિ : આ અગ્નિ સીરિઝની નવી જનરેશનવાળી મિસાઈલ છે, તેની મારક ક્ષમતા ૧૦૦૦થી ૨૦૦૦ કિમીની વચ્ચે છે
નવી દિલ્હી,તા.૧૮
ભારતે શનિવારે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતે કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી હતી. અગ્નિ પી મિસાઈલ અગ્નિ સીરિઝની નવી જનરેશનવાળી એડવાન્સ મિસાઈલ છે. તેની મારક ક્ષમતા ૧૦૦૦થી ૨૦૦૦ કિમીની વચ્ચે છે. અગ્નિ-પી એ બેલિસ્ટિક મિસાઈલની અગ્નિ સીરિઝની છઠ્ઠી મિસાઈલ છે. આ મિસાઈલ સપાટી પરથી સપાટી પર માર કરી શકે તેવી છે. પરમાણુથી સક્ષમ આ મિસાઈલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. અગ્નિ પ્રાઈમને ટ્રેનમાં લાવી શકાય છે અથવા તો કનસ્તર (ટીનના ડબ્બા)માં રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના વાયુ સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. અગાઉ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એન્ટીશિપ વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખાતેથી કરવામાં આવ્યું હતું. આગામી થોડા દિવસોમાં ડીઆરડીઓ દ્વારા અન્ય કેટલીક બેલેસ્ટિક અને ક્રૂઝ સીરિઝની અત્યાધુનિક પ્રકારની મિસાઈલ્સનું પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.