ઓમિક્રોનના કહેર વચ્ચે રાજ્યોને સાવચેતી રાખવા કેન્દ્રની સલાહ

21

કેન્દ્રએ રાજ્યો સાથે કોરોનાની સ્થિતિ અંગે રિવ્યુ મિટિંગ કરી : આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને પણ રાજ્યોને કેન્દ્ર દ્વારા કેટલાક સૂચનો કરાયા, કેટલાક નિયમો કડક બનાવવા સલાહ
નવી દિલ્હી, તા.૨૩
આજે પણ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે દેશની કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ કરી છે. જેમાં રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે લોકોએ જાણે કોરોના આપણા વચ્ચેથી જતો રહ્યો હોય તે રીતે માસ્ક પહેરવાનું અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું છોડી દીધું છે. દેશમાં પ્રવાસના સ્થળો ખુલ્યા થયા પછી પ્રવાસીઓની ભીડ જામી રહી છે બીજી લગ્ન અને મેળાવડાઓ તથા પાર્ટીઓમાં પણ જાણે કોરોના હવે આપણી વચ્ચે હોય જ નહીં તે રીતે લોકોનું વર્તન જોવા મળી રહ્યું છે. આવી જ સ્થિતિ શહેરો અને ગામડાઓના બજારોમાં પણ જોવા મળી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરીને રાજ્યો સાથે વાતચીત કરી છે અને દેશમાં ફેલાઈ રહેલા ઓમિક્રોનના કેસને જોતા સાવધાની રાખવાની સલાહ આપી છે. આ રિવ્યૂ મીટિંગ દરમિયાન રાજ્યોને ટેસ્ટિંગ અને કોંન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા અંગે પણ સલાહ આપવામાં આવી છે. આ સિવાય કોરોનાના કેસમાં થતો વધારો સંક્રમિત વિસ્તારોને બ્લોક કરવા અંગે પણ વિચારણા કરવા અંગે જણાવવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને પણ રાજ્યોને કેન્દ્ર દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં નાઈટ કર્ફ્‌યૂ જરુરી જણાય તો તેને લાગુ કરવા અને તેની મર્યાદામાં ફેરફાર કરવા અંગે જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા જે લોકોનું રસીકરણ બાકી હોય તેમને રસીના પહેલા અને બીજા ડોઝ આપીને ૧૦૦% રસીકરણ કરાવવા અંગે જણાવવામાં આવ્યું છે. આ સાથે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં રાષ્ટ્રીય રસીકરણના દરથી નીચો દર હોય ત્યાં ઘરે-ઘરે જઈને બાકી રહેલા લોકોનું રસીકરણ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય, જે રાજ્યોમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે તેવા રાજ્યોએ રસીકરણનું અભિયાન વધારે વેગવંતું બનાવવા માટે કેન્દ્રએ સૂચન કર્યું છે. જે જિલ્લાઓમાં રસીકરણનો દર નીચો છે ત્યાં ખાસ પ્લાન સાથે ઉતરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી સંક્રમણના દરને અટકાવી શકાય.