વાહનોના રજિસ્ટ્રેશનની ફીમાં ૧ એપ્રિલથી આઠ ગણો વધારો

54

સરકાર જૂના વાહનોને લઈ પગલાં લેવાનાં મૂડમાં : ૧૫ વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે ૫,૦૦૦ રૂપિયા, ટૂ-વ્હીલર વાહનોના રજિસ્ટ્રેશન માટે ૩૦૦ રૂપિયાના બદલે ૧,૦૦૦ ચૂકવવા પડશે
નવી દિલ્હી,તા.૧૫
સરકાર ૧૫ વર્ષથી જૂના વાહનોને લઈને કડક પગલાં લેવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આદેશ અનુસાર, ૧ એપ્રિલથી, ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોના ફરીથી નોંધણીનો ખર્ચ આઠ ગણો વધી જશે. આ નિયમ તે જગ્યાઓ પર લાગુ થશે જ્યાં ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો જેને રજીસ્ટ્રેશન વિનાના માનવામાં આવે છે.
૧લી એપ્રિલથી ૧૫ વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે ૫,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં આ ફીસ માત્ર ૬૦૦ રૂપિયા છે. વિદેશી કારો માટે આ ફી ૧૫,૦૦૦ રૂપિયાથી વધીને ૪૦,૦૦૦ રૂપિયા થઈ જશે. ટૂ-વ્હીલર વાહનોના રજિસ્ટ્રેશન માટે ૩૦૦ રૂપિયાના બદલે ૧,૦૦૦ રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. આટલું જ નહી, રજિસ્ટ્રેશનમાં વિલંબ થતા અલગથી દંડ ભરવાનો રહેશે. ખાનગી વાહનોના રજીસ્ટ્રેશનમાં વિલંબ થાય તો દર મહિને રૂ. ૩૦૦ અને કોમર્શિયલ વાહનો માટે રૂ. ૫૦૦ પ્રતિ માસનો અલગ ચાર્જ ચૂકવવો પડશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૧ એપ્રિલથી જૂના ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટનો ખર્ચ પણ વધશે. કોમર્શિયલ વાહનો આઠ વર્ષથી વધુ જૂનાં થઈ ગયા પછી તેના માટે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ટેક્સીઓ માટે ફિટનેસ ટેસ્ટ ફી ૧,૦૦૦ રૂપિયાને બદલે ૭,૦૦૦ રૂપિયા થઈ જશે. બસ અને ટ્રક માટે આ ફી ૧,૫૦૦ રૂપિયાથી વધીને ૧૨,૫૦૦ રૂપિયા થઈ જશે. કેન્દ્ર સરકારે અનુપાલન ફીમાં વધારો કર્યો છે જેથી માલિકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું પસંદ કરી શકે જે વધુ પ્રદૂષણનું કારણ બને છે. ભારતમાં એક કરોડથી વધારે વાહનો સ્ક્રેપિંગ કરવા લાયક છે. કાર માલિકો માટે જૂના વાહનોનું સ્ક્રેપિંગ સરળ બનાવવા માટે કેન્દ્રએ આ પ્રક્રિયાને ઓનલાઈન પણ કરી દીધી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપક્ષમાં વંશવાદને પ્રોત્સાહન નહીં અપાયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી