બોરવેલ પાસેના ૧પ ફૂટ ઉંડા ખાડામાં પડેલી બે વર્ષની બાળકીને બચાવી લેવાઈ

1042

બહુચરાજી નજીક મારુતિ- સુઝુકી કંપનીના પ્લાન્ટથી દોઢ કિમી દૂર ઓમ લોજિસ્ટીક કંપનીની સામે વેરહાઉસની ખાનગી જગ્યામાં બનાવેલા બોરવેલ પાઇપની બાજુમાં પડેલા ૧૫ ફૂટ ઊંડા ખાડામાં બુધવારે સવારે શીતલ ખુમાણભાઇ રાવત નામની બે વર્ષની બાળકી રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં જ પહોંચેલી સુઝુકીની રેસ્કયુ ટીમે ૩૦ મિનિટના દિલધડક જોખમી ઓપરેશન બાદ બાળકીને બચાવી લીધી હતી. બોરવેલના ખાડાની સમાંતર નવો હોલ પાડી તેમાં બીજા બાળકને ઉતારી બાળકીને બહાર કાઢી હતી. બાળકીને હેમખેમ જોઇ પરિવારજનો સહિત હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રેસ્ક્યુ ટીમને બિરદાવી હતી.
સુઝુકીના ડેપ્યુટી મેનેજર એડમિન સોહનપાલ યાદવ અને આસુતોષ બંને જણાવ્યુ કે “સુઝુકી કંપનીમાં સવારે ૬-૫૫ વાગે ફોન આવ્યો કે ઓમ લોજિસ્ટીકની સામેની જગ્યામાં બોરવેલમાં બે વર્ષની બાળકી પડી ગઇ છે. અમારા સીફ્‌ટ ઇન્ચાર્જ સુભાષ પાટીદાર સહિત સિક્યુરિટી રેસ્ક્યુ ટીમ અને ફાયર ટીમ ઉપલા અધિકારીઓની પૂર્વ મંજૂરી સાથે ઘટના સ્થળે પહોંચી. અમે પહોંચ્યા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને બોરવેલની આસપાસ જ ઊભા હતા.
પહેલા અમે આ લોકોને અહીંથી દૂર કર્યા, કારણકે માટી ધસી પડે તો બાળકીનો જીવ જઇ શકે તેમ હતો. લોકોને શાંત રહેવા કહ્યું, કારણ કે અવાજના કારણે બાળકી ગભરાઇ ન જાય. બાળકીનો સતત રડવાનો અવાજ સંભળાતો હતો. હવે સૌથી મહત્વનું કામ બાળકી સુધી પહોંચવાનું હતું. જે જગ્યાએથી બાળકી પડી હતી. તે જગ્યા પહોળી કરવા જઇએ તો માટી ધસી પડવાનું પૂરેપૂરું જોખમ હતું. એટલે અમે
ખાડાથી દોઢેક ફૂટ દૂર ૪૫ અંશના ખૂણે બીજો ખાડો કરી એકાદ ફૂટનો નવો હોલ બનાવ્યો.
અહીંથી બાળકી સુધી પહોંચવા પાતળા બાંધાના બારેક વર્ષના એક બાળકને તૈયાર કર્યો, જે હોલમાં જઇ શકે. પહેલાં કપડું નાખ્યું પણ તે ન પહોંચતાં દોરડું મંગાવી તેને ઉપરના ખુલ્લા ભાગેથી અંદર નાખ્યું. બાળકીએ તે પકડી લેતાં ધીમે ધીમે ઉપર આવી. બાળકીનું માથુ દેખાતાં તેને હોલમાંથી બહાર કાઢી, ત્યારે તે થોડી ગભરાયેલી હતી. પરંતુ બાદમાં સ્વસ્થ થઇ રમવા લાગી હતી. રેસ્ક્યુ ઓપરેશન સફળ રહેતાં માનવ સહાયતા અને જનકલ્યાણના કાર્યમાં સહભાગી બન્યાનો આનંદ અમારી ટીમના ચહેરા પર હતો.’
વેરહાઉસની સાઇટ પર મૂળ દાહોદના લીમખેડા તાલુકાના જેતપુર ગામના ખુમાણભાઇ રાવત તેમની પત્ની રમીલાબેન અને બે વર્ષની બાળકી શીતલ સહિત અન્ય બે-ત્રણ પરિવારો રહે છે. આ જગ્યામાં બનાવેલા બોરની બાજુમાં જ આ પરિવારો ન્હાય છે અને કપડાં ધુએ છે. જેનું પાણી બોરવેલની પાઇપની બાજુમાં ઉતરતાં બે ફૂટ પહોળું ૧૬ ફૂટ જેટલું ઊંડું પોલાણ સર્જાયું હતું. બુધવારે સવારે ૬-૩૦ વાગે પરિવાર છાપરામાં હતો અને શીતલ અને બીજું એક બાળક રમતાં રમતાં બોરવેલ પાસે પહોંચ્યું હતું. આ સમયે શીતલ ખાડામાં પડતા બીજું બાળક રડવા લાગતાં ઘટનાની જાણ થઇ હતી.
બે વર્ષની શીતલ અંધારિયા કૂવા જેવા ખાડામાં એક કલાક અને ૨૦ મિનિટ સુધી પડી રહી. નીચેના ભાગે પાણી હતું. બહાર કાઢી ત્યારે તેના પગમાં કાદવ હતો. તેની માતાને જોઇ ગળે વીંટળાઇ ગઇ હતી. આ ભાવુક દ્દશ્યોએ હાજર લોકોને ગળગળા કરી મૂક્યા હતા.
નવી બનતી સાઇટ પર બે સપ્તાહ પહેલાં જ બોરવેલ બનાવેલો છે. દોઢથી બે ફૂટનો ખાડો કરી પાઇપ નાખ્યા બાદ સાઇડમાં માટીકામ બરાબર કરાયું ન હોવાના કારણે તેમાં પાણી ઉતરતાં પોલાણ સર્જાયું હતું. જેમાં આ બાળકી પડી ગઇ હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચેરપર્સન તરીકેનો પદભાર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂતિ અભિલાષાકુમારીએ સંભાળ્યો