બોટાદ જિલ્લામાં પીજીવીસીએલના દરોડા, 1240 જેટલા ગ્રાહકોને વીજ ચોરી કરતાં ઝડપી રૂ. 392 લાખનો દંડ ફટકારાયો

254

અધિક્ષક ઈજનેરનો જિલ્લાના લોકોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ
બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ પાળીયાદ રોડ પર આવેલી એક ઔદ્યોગિક વીજ જોડાણ સ્થાનિક કચેરીએ તા. 21 એપ્રિલ, 2022ના રોજ 100 કિલો વોટનો વીજભાર ધરાવતા વીજ કનેક્શનની ચકાસણી કરતાં આ વીજ જોડાણમાં ગ્રાહક દ્વારા વીજ મીટરમાં ચેડા કરી વીજ ચોરી કરતા હોય તેવું જણાતા ગ્રાહકને 93 લાખ રૂપિયાનું બીલ ફટકારવામાં આવ્યું હતું. તેમજ માર્ચ તથા એપ્રિલ મહિનામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ વર્તુળ કચેરી ડ્રાઈવ તેમજ કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા, ઢસા તેમજ પાળીયાદ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘર વપરાશના, વાણિજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક વીજ જોડાણો પોલીસ તેમજ એસઆરપી સાથે રાખી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 7543 જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 1240 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ. 392 લાખની વીજ ચોરીના દંડ કટકારવામાં આવ્યા હતા. અધિક્ષક ઈજનેરના જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજ ચોરોનું વીજ ચેકિંગ માત્ર વહેલી સવારે આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે પણ વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી હતી. શહેરથી દૂર એવા દુર્ગમ વિસ્તારોમાં હવેથી અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ડ્રોન દ્વારા ખાણ વિસ્તારોમા વીજ ચેકિંગ કરવામાં આવશે. હવે પછી રાત્રિ દરમિયાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે. તેમજ વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજ ચોરોને બક્ષવામાં નહી આવે, જેને પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. અધિક્ષક ઈજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા માટે જણાવાયું છે.

Previous articleનાની ઉંમરે બાળકોને શાળાએ ન મોકલો, વિકાસ રુંધાય છેઃ સુપ્રીમ
Next articleભાવનગરના જય માળનાથ ગ્રુપે પક્ષીઓ માટે 400 પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું