ભરતનગર પોલીસ સ્ટેશનનું રવિવારે થશે લોકાર્પણ, કાળીયાબીડની માંગ ઠેરનીઠેર

43

ગૃહમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે લોકાર્પણ : ભરતનગરને સ્વતંત્ર ઇ ડિવિઝન મળ્યા બાદ પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ મળશે, કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેવી લોકોને અપેક્ષા
શહેરના ભરતનગરમાં મુઠ્ઠીભર ચોક્કસ તત્વોના કારણે શાંતિ ડોળાયેલી રહે છે અને તેઓની અસામાજીક પ્રવૃતિઓને કારણે સમગ્ર વિસ્તારની ઇમેજ ખરડાઈ છે. સ્થાનિક લોકોને સામાજીક રીતે બટ્ટો લાગે છે ત્યારે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવા પ્રબળ લોકમાંગના અંતે અલાયદું પોલીસ મથક મળ્યા બાદ હવે ઇમારત પણ મળવા જઇ રહી છે. બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે ત્યારે હવે લોકાપર્ણનું મુહુર્ત પણ આવશે. બીજી બાજુ શહેરના સૌથી મોટા વિસ્તાર કાળીયાબીડમાં પોલીસ સ્ટેશન બનાવવાની માંગ હજુ ઉકેલાઈ નથી. સંખ્યાબંધ શૈક્ષણિક સંકુલો હોવા છતાં અહીં પોલીસ સ્ટેશન બનાવાની ગતિવિધિ તેજ બનતી નથી.!ભરતનગર વિસ્તારમાં ૧.૩૬ કરોડના ખર્ચે અદ્યતન આઠ હજાર ચોરસ ફૂટના ઈ-ડિવિઝન પોલીસ સ્ટેશન બનેલ છે જેનો રવિવારે લોકાર્પણ સમારોહ છે આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. વર્ષ ૨૦૧૧માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને આ વિસ્તારમાં રહેતા લોકો માથાભારે અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગયા હતા. આ સમયે આ વિસ્તારમાં બનાવેલી તંબુ ચોકી પણ માથાભારે માણસોએ તોડી નાખી હતી. લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી વર્ષ-૨૦૧૧-૧૨માં આ વિસ્તારમાં તંબુ ચોકી ત્યારબાદ વર્ષ-૨૦૧૩માં પોલીસ ચોકી અને વર્ષ-૨૦૧૭-૧૮માં નવા ડિવિઝનની રાજ્ય સરકારે મંજૂરી આપેલ બાદમાં અદ્યતન પોલીસ સ્ટેશન માટેની રજુઆત સફળ રહી છે. ભરતનગર પોલીસ મથક (ઈ-ડિવિઝન) હેઠળ ભરતનગર, ગાયત્રીનગર, પાર્થ સોસાયટી, રામમંત્ર થી દુઃખી શ્યામબાપા વિસ્તાર, શહેર ફરતી સડક, ટોપ થ્રી સર્કલ, અડધો રીંગ રોડ, ઝાંઝરીયા હનુમાન સુધી અધેવાડા ગામ, અડધુ તરસમિયા ગામનો વિસ્તાર આવે છે.