માતૃ ભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી : PM મોદી

35

રાજકોટમાં બનતી એઈમ્સ, જામનગરમાં બની રહેલા પ્રાકૃતિક દવાના સંશોધન કેન્દ્ર બાદ આટકોટની હોસ્પિટલ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશિર્વાદરુપ બનશે
રાજકોટ, તા.૨૮
પીએમ મોદીએ આજે રાજકોટના આટકોટમાં કે.ડી. પરવાડિયા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં બની રહેલી એઈમ્સ, જામનગરમાં બની રહેલા પ્રાકૃતિક દવાના સંશોધન કેન્દ્ર બાદ હવે આટકોટની આ હોસ્પિટલ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશિર્વાદરુપ બનશે. ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકસી રહ્યું છે તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે ૨૦૦૧ પહેલા રાજ્યમાં મેડિકલની ૧૧૦૦ બેઠક હતી, જે આજે આઠ હજારથી પણ વધી ગઈ છે. વળી, આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ વ્યક્તિને ૫ લાખ સુધીની સારવાર મફત મળે છે, અને જનઔષધિ કેન્દ્રથી જરુરિયાતમંદોને સસ્તા દરમાં દવા પણ મળે છે. કેન્દ્ર સરકારમાં સત્તાના આઠ વર્ષ પૂરા થવાનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું હતું કે, આઠ વર્ષ પહેલા આપ સૌએ મને વિદાય આપી હતી, પરંતુ તમારો પ્રેમ વધતો જ જાય છે. આઠ વર્ષમાં ભૂલથી પણ એવું કંઈ થવા દીધું છે કે ના એવું કંઈ કર્યું છે કે જેના કારણે દેશના કોઈ નાગરિકને પોતાનું મસ્તક નમાવવું પડે. આઠ વર્ષમાં સરકારે સુશાસન, ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રામાણિકતા આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતિ આપી છે. કોરોનાકાળ દરમિયાન ૧૦૦ વર્ષના સૌથી સંકટભર્યા સમયમાં ગરીબોને ખાવાપીવાની સમસ્યા ના થાય તે માટે સરકારે અન્નના ભંડાર ખોલી દીધા, જનધન ખાતા, ખેડૂતો અને મજૂરોના બેંક અકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવાયા, ગરીબોને ફ્રીમાં રાંધણ ગેસ પણ પૂરો પાડવામાં આવ્યો. પીએમે જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં પણ દેશના ગરીબ, મધ્યમ વર્ગને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે સરકારે સુનિશ્ચિત કર્યું છે. જે વ્યક્તિ જે સેવા મેળવવાનો હક્કદાર છે, તેને તેનો હક્ક મળવો જોઈએ. દરેક નાગરિક સુધી સુવિધા પહોંચાડવાનો લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ તેમજ ભ્રષ્ટાચારને કોઈ અવકાશ નથી રહેતો. માટે જ, સરકાર મૂળભૂત જરુરિયાત સાથે જોડાયેલી યોજનાઓને તમામ લાભાર્થી સુધી પહોંચાડવા સરકાર કામ કરી રહી છે. જેનાથી દેશના ગરીબ, મધ્યમ વર્ગ સશક્ત બનશે તેમજ તેમનું જીવન આસાન બનશે. આટકોટમાં હોસ્પિટલ બનાવવા અંગે પટેલ સેવા સમાજની સરાહના કરતા પીએમે કહ્યું હતું કે, સમાજના અગ્રણીઓએ સમર્પિત ભાવથી આ જે મોટું કાર્ય કર્યું છે તે બદલ સૌ કોઈ ટ્રસ્ટી અભિનંદનના અધિકારી છે, અને આમાંથી પ્રેરણા લઈ લોકો સમાજ માટે કંઈકને કંઈક કરવાની ઈચ્છા રાખશે. પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલનું તેમણે ઉદ્‌ઘાટન તો કર્યું છે, પરંતુ આપણે સમાજમાં એવી સ્વસ્થતા બનાવીએ તે જેનાથી આ હોસ્પિટલ ખાલીની ખાલી જ રહે. જો કોઈને આવવું જ પડે, તો પહેલા કરતા પણ વધારે સાજો થઈ તે વ્યક્તિ ઘરે જાય તેવું કામ આ હોસ્પિટલ કરશે. ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી છે, અને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે તે બદલ હાલની સરકાર અભિનંદનને પાત્ર છે, તેમજ તેનો લાભ ગુજરાતના ખૂણે-ખૂણે સામાન્ય વ્યક્તિને મળશે. પીએમે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતને જે એઈમ્સ મળી છે તેનું કામ રાજકોટમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બની રહ્યું છે. ૨૦૦૧ પહેલા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કોલેજ, અને માંડ ૧૧૦૦ બેઠકો હતી જ્યારે આજે સરકારી અને પ્રાઈવેટ મળીને ૩૦ મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે, એટલું જ નહીં ગુજરાતમાં અને દેશમાં પણ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની સરકારની યોજના છે. આજે ગુજરાતમાં આઠ હજાર મેડિકલ સીટ છે. ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા પ્રોજેક્ટ છેલ્લા આઠ વર્ષમાં પૂર ઝડપથી પૂરા થયા હોવાનો દાવો કરતા પીએમે કહ્યું હતું કે, ૨૦૧૪ પહેલા ગુજરાતના અનેક પ્રોજેક્ટને ત્યારની કેન્દ્ર સરકારે અટકાવી રાખ્યા હતા. હવે સૌની યોજના મારફતે નર્મદાના પાણી કચ્છ અને કાઠિયાવાડ સુધી પહોંચી ગયા છે, દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ પણ ગુજરાતમાં છે. અભૂતપૂર્વ ઝડપથી ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ ધપી રહ્યું છે, જેનો લાભ બધા ક્ષેત્રને મળ્યો છે. એક સમયે માત્ર વલસાડથી વાપીના પટ્ટામાં ઉદ્યોગો હતા, જ્યારે આજે ગુજરાતના ખૂણે-ખૂણે નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે તેમજ એમએસએમઈ ગુજરાતની તાકાત તરીકે ઉભર્યા છે.