ભાવનગર ખાતે રૂ.૧.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત ભરતનગર પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ

93

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ : સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતિને કારણે આજે ગુજરાત વિકાસના નૂતન શિખરો સર કરી રહ્યું છે- શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી વિજાણું રીતે ભાવનગર ખાતે રૂ.૧.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલાં ભરતનગર પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તમામ સુવિધાઓ સાથે ૭,૦૧૮ ચો.ફુટ વિસ્તારમાં આધુનિક રીતે બનેલાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઈ- લોકાર્પણમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ લોકાર્પણ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને કારણે આજે ગુજરાત વિકાસના નૂતન શિખરો સર કરી રહ્યું છે. રાજ્યમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેને અનુલક્ષીને પોલીસને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. પોલીસ વ્યવસ્થાઓમાં પણ આધુનિકરણ અને ટેકનોલોજીથી સભર વ્યવસ્થાઓથી પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવી રહ્યું છે. આજે રાજ્યના ૨૫ જિલ્લાઓમાં રૂ.૩૪૭ કરોડ ના ખર્ચે ૫૭ પોલીસ આવાસો, પોલીસ સ્ટેશનો અને પોલીસ વ્યવસ્થાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હરેશભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું છે.

ભાવનગરના ભરતનગર ખાતે પણ આધુનિક પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી. તેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા ૧૫ થી ૧૭ રૂમો સાથે અદ્યતન પોલીસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. સમાજ-જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી રહે તે માટે નવાં પોલીસ સ્ટેશન અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં આવી છે. રાજ્યના ધંધા-રોજગારના વિકાસમાં પણ પોલીસની સતર્કતા અને સચોટ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત પરિબળ છે. પોલીસ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં આજે ગુજરાત દેશમાં અગ્રીમ હરોળમાં છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમયની જરૂરિયાત સાથે પોલીસ સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવ્યાં છે જેથી પોલીસની કામ કરવાની સ્ફૂર્તિ અને ઈચ્છા શક્તિમાં પણ વધારો થયો છે. કાયદાને જરૂર પડે ત્યારે કડક થવા અને જરૂર પડે ત્યારે સહયોગથી કાર્ય કરીને તંદુરસ્ત અને સલામત ગુજરાતના નિર્માણ તરફ અગ્રેસર થવાની જરૂરિયાત તેમણે વર્ણવી હતી.

સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, આજે સમગ્ર દેશ ગુજરાત તરફ માન-સન્માનની રીતે જોઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, આજે ગુજરાતમાં રાત્રે એક વાગ્યે પણ દીકરીઓ નિશ્ચિંતાથી ફરી શકે છે એવી સલામતીની વ્યવસ્થા વિકસિત કરી છે. શાંતિ, સલામતી, સુરક્ષાની નવી ઊંચાઈઓ ગુજરાતે સર કરી છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને જોડાયેલાં છે. જેથી કરીને કોઈ પણ ગુનેગાર છટકી ન શકે. ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, કોઈપણ રાજ્યમાં રોડ, રસ્તા, આરોગ્ય, શાળાઓ સાથે શાંતિ અને સલામતીનું વાતાવરણ હોય તે પણ મહત્વપૂર્ણ આવશ્યકતા છે. ઇતિહાસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભરતનગર ખાતે સૌ પ્રથમ પોલીસ ચોકીની મંજૂરી રજનીભાઈ પટેલ ગૃહમંત્રી હતાં ત્યારે મળી હતી અને ત્યારબાદ વધુ જરૂરીયાત ઉભી થતાં હાઉસિંગ બોર્ડ પાસેથી આ જગ્યા લઈને પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું અને આજે સંપૂર્ણ સુવિધાઓ સાથેનું અત્યાધુનિક નવું પોલીસ સ્ટેશન લોકાર્પિત થઈ રહ્યું છે ત્યારે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ અને હરખ તેમણે વ્યક્ત કર્યો હતો.
મેયર કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, કાયદો ત્યારે જ ચાલે છે, જ્યારે લોકો અને પોલીસ સંકલનમાં ચાલે છે. જે જાગે છે તેને ન્યાય મળે છે. સૂતેલાને કોઈ દિવસ ન્યાય મળતો નથી. આ ઉપરાંત તેમણે કાયદાનો દૂરોપયોગ ન કરવાં માટે પણ શીખ આપી હતી. ભરતનગર પોલીસ સ્ટેશનના લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, શહેર ભા.જ.પા. અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, જિલ્લા ભા.જ.પા. અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ડે. મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, યુવરાજ જયવીરરાજસિંહ, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલ, એ.એસ.પી.સફીન હસન, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleતખ્તેશ્વર વોર્ડમાં પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત
Next articleભાવનગરમાં શહેર સતત બીજા દિવસે એક કોરોનાનો નવા કેસ નોંધાયો