રોજગાર મુદ્દે મોદી સરકાર એકશનમાં

18

દોઢ વર્ષમાં ૧૦ લાખને ખાલી જગ્યામાં ભરતીનો મોદીનો નિર્દેશ
નવી દિલ્હી, તા.૧૪
નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. મોદી સરકાર આગામી દોઢ વર્ષમાં બંપર નોકરીઓ આપવા જઈ રહી છે. આ દરમિયાન મોદી સરકારની ૧૦ લાખ લોકોની ભરતી કરવાની યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે આ જાહેરાત કરી છે.પીએમ મોદીએ કહ્યું કે તેમણે તમામ વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલા પદોની સમીક્ષા કરતા આગામી દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે મિશન મોડમાં આ ભરતી કરવાનું જણાવ્યું છે. સૂત્રો મુજબ, સરકારી વિભાગોમાં લાખો પદ ખાલી પડ્યા છે.કેન્દ્ર સરકાર આજથી સેનામાં એક નવી વ્યવસ્થા લૉન્ચ કરવા જઈ રહી છે. સરકાર ’ટૂર ઓફ ડ્યુટી’ સિસ્ટમની જાહેરાત કરશે. જેને ’અગ્નિપથ’ નામ આપવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ ભરતી થનારા સૈનિકોને ’અગ્નિવીર’ તરીકે સંબોધિત કરાશે. ’અગ્નિપથ’ સિસ્ટમ હેઠળ સૈનિકોની ભરતી ૪ વર્ષ માટે થશે. ૪ વર્ષ પૂરા થયા પછી તેઓને ૧૦ લાખ રૂપિયા ટેક્સ-ફ્રી મળશે. ’અગ્નિવીર’ને તેઓની સેવા માટે સર્ટિફિકેટ્‌સ અને ડિપ્લોમા પણ આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ શરૂઆતનો પગાર મહિને રૂપિયા ૩૦,૦૦૦ હશે જે ૪ વર્ષ પૂરા થતાં ૪૦,૦૦૦ સુધી પહોંચી જશે. સરકાર આ પગારનો ૩૦ ટકા હિસ્સો ’બચત’ રૂપે રાખશે અને તેટલા જ ’સેવા નિધિ’માં જમા કરશે. બાકીના ૭૦ ટકા સેલરી ખાતામાં ક્રેડિટ થશે. એક સૈનિકને ૪ વર્ષની સર્વિસ પછી ૧૦થી ૧૨ લાખ રૂપિયા મળશે જે ટેક્સ ફ્રી હશે.સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રથમ રાઉન્ડમાં સેનાના ૪૦ હજાર પદ ભરવામાં આવશે. સેનામાં ૨ વર્ષથી ભરતી થઈ નથી. સરકારી આંકડા મુજબ, માત્ર રેલવેમાં જ લગભગ ૩ લાખ પદ ખાલી પડ્યા છે. તે રીતે પોસ્ટ વિભાગમાં પણ આશરે ૯૦ હજાર પદ ખાલી છે. રેવન્યુ વિભાગમાં આશરે ૭૫ હજાર પદ ખાલી છે.
સિવિલમાં લગભગ દોઢ લાખ પદ ખાલી છે. આ રીતે હોમ મિનિસ્ટ્રીમાં પણ આશરે ૧ લાખ ૩૦ હજાર પદ ખાલી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપુનમ નિમિત્તે સાળંગપુર હનુમાનજીદાદા ને દિવ્ય વાઘા પહેરાવી,કેરી નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો…