સેન્સેક્સમાં ૪૩૩, નિફ્ટીમાં ૧૩૩ પોઈન્ટનો ઊછાળો

6

સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી વધુ ૨.૬૯ ટકાનો ઉછાળો : અન્ય શેરોનો પણ કૂદકો
મુંબઈ, તા.૨૭
વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે સ્થાનિક શેરબજારો સોમવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં વધ્યા હતા અને બીએસઈ સેન્સેક્સ ૪૩૩.૩૦ પોઈન્ટ વધીને બે સપ્તાહની ટોચે બંધ રહ્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, બેન્કો અને એફએમસીજી કંપનીઓના શેરમાં ખરીદારીથી પણ બજાર મજબૂત બન્યું હતું. ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૪૩૩.૩૦ પોઈન્ટ અથવા ૦.૮૨ ટકા વધીને ૫૩,૧૬૧.૨૮ પર બંધ થયો હતો, જે ૧૦ જૂન પછીની તેની સર્વોચ્ચ સપાટી છે. ટ્રેડિંગ દરમિયાન તે ૭૮૧.૫૨ પોઈન્ટ સુધી ચઢ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૩૨.૮૦ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકાના વધારા સાથે ૧૫,૮૦૦ પોઈન્ટની સપાટી ઉપર ૧૫,૮૩૨.૦૫ પર બંધ રહ્યો હતો. શેરબજારોમાં, સેન્સેક્સમાં ૨.૫૬ ટકા અથવા ૧,૩૭૮ પોઈન્ટનો વધારો થયો છે, જ્યારે નિફ્ટીમાં છેલ્લા ત્રણ સત્રમાં ૨.૭૩ ટકા અથવા ૪૧૮ પોઈન્ટનો વધારો થયો છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, સ્થાનિક શેરબજારોમાં તાજેતરના સત્રોમાં તેજી જોવા મળી છે, જેની સાથે કોમોડિટીના ભાવમાં સાધારણ ઘટાડો થયો છે. વિશ્લેષકોના મતે અર્થવ્યવસ્થામાં મંદીની આશંકાથી યુએસ, ચીન અને યુરોપમાં માગ ઘટવાને કારણે રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈની અપેક્ષા રાખે છે. સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી વધુ ૨.૬૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્‌સ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી અને સન ફાર્માના શેરમાં પણ વધારો થયો હતો. બીજી તરફ કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ટાઇટનના શેર ઘટાડાની સાથે બંધ થયા હતા. આ સિવાય બીએસઈ સ્મોલકેપ ૧.૫૭ ટકા અને મિડકેપ ૦.૮૭ ટકા વધ્યા છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વૈશ્વિક પરિબળો સ્થાનિક બજારની દિશા નક્કી કરવાનું ચાલુ રાખશે. આ સિવાય જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પર પણ રોકાણકારોની નજર રહેશે.
અમેરિકી શેરબજારમાં ઉછાળા સાથે જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ, ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. બીજી તરફ યુરોપિયન બજારો બપોર બાદ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૧૩ ટકા ઘટીને ૧૧૨.૯૩ ડોલર પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાંથી સતત ઉપાડ કરી રહ્યા છે. તેમણે શુક્રવારે રૂ. ૨,૩૫૩.૭૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Previous articleરાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિંહાનું વિપક્ષી ઉમેદવાર તરીકે નામાંકન
Next articleરથયાત્રા કાઉન્ટ ડાઉન : સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નાઈટ ચેકિંગ