અંતરાત્મા પુરાણ(બખડ જંતર)

6

મોબાઇલ ટ્રીન ટ્રીન કરતો રણક્યો.
રાજુ હીરાએ ફોન રિસિવ કરવા ફિંગર હળવેથી ડાબેથી જમણી ઘસી .
“હેલ્લો .રાજુ હીરોનો નંબર છે ને?”સામા છેડેથી પૃચ્છા થઇ.
“હા . હું રાજુ હીરા બોલું છું.” રાજુ હીરાએ જવાબ આપ્યો.
“રાજુભાઇ, હું સેન્ટ્રલ મિનિસ્ટર રવિસાહેબની ઓફિસમાંથી બોલું છું. સર તમને મળવા માંગે છે.” મંત્રીશ્રી રવિસાહેબનો પીએ પાંડે બોલ્યો.
“ મને સાહેબ મળવા માંગે છે. શું કામ મળવા માંગે છે? હું તો ઓપોઝિશન પાર્ટીનો છું.!!” રાજુએ આશ્રર્ય વ્યક્ત કર્યું!!
“ એ મને ખબર નથી. મિનિસ્ટર સરે મને આપને મિટિંગની જાણ કરવા કહ્યું છે. આવતી કાલે સવારના સર્કિટ હાઉસમાં અગિયાર વાગ્યે તમારે સાહેબને મળવાનું છે!” સામેના છેડેથી ફોન કટ થયો.
રાજુ હીરા સવારે અગિયાર વાગ્યે સર્કિટ હાઉસ પહોંચ્યો. રિસેપ્શન કાઉન્ટર પર મંત્રીના રૂમ નંબરની માહિતી પૂછી.મંત્રી શેત્રુંજય કક્ષમાં હતા. રૂમના દરવાજા પર નોક કર્યું .
પ્લીઝ કમ ઇન. ડોર ઇઝ ઓપન્ડ.” અંદરથી મંત્રીએ અંદર આવવા ઇજન આપ્યું .
રાજુ હીરા દરવાજો ખોલી રૂમમાં દાખલ થયો.
સોફામાં બેઠી દડીના સ્થૂળકાય કાળી સફેદ દાઢીવાળા મંત્રી બિરાજમાન હતા. રાજુ હીરાને જોઇ સ્મિત કર્યું અને સામેના સોફા પર બેસવા હાથથી સંજ્ઞા કરી.
રાજુ હીરા સોફામાં ગોઠવાયો. સેવકે ચિલ્ડ વોટર બોટલ ટીપોઈ પર મુકી. રાજુ હીરાએ બોટલનું સિલ તોડી ઢાંકણ ખોલી ટીપોઈ પર ઊંધું રહે તે રીતે મુકયું. બોટલ ઊંચકી મોંઢામાં ઠંડું પાણી રેડ્યું. બેચાર ઘૂંટડા પાણી પીને બોટલ ટીપોઈ પર મુકી ઢાંકણાંથી બોટલ બંધ કરી. મેં પર ઢોળાયેલું પાણી ક્રિમ કલરના ઝભ્ભાની બાંયથી મોઢું લૂંછી નાંખ્યું.
“ એમએલએ સાહેબ શું હાલચાલ છે?” મંત્રી રવિએ પૂછયું.
“ ઓપોઝિશનમાં તો બેહાલ જ હોયને ?સાહેબ!” રાજુ હીરા કડવાશથી બોલ્યો .
“શું લેશો?ચા કે ઠંડું કે ?” મંત્રીએ પૂછયું.
સાહેબ વાત ઘુમાવો ફરીને નહીં. મૂળ મુદા પર આવો. ભારતનો પાવરફૂલ મંત્રી મને ચા પિવડાવવા દિલ્હીથી અહીં અમદાવાદ સુધી લાંબો ન થાય!!” રાજુ હીરાએ કહ્યું.
“ યુ આર રાઇટ ડિયર. ગેર કાયદે ખોદાણની નોટીસ દફતરે થઇ??” રવિએ સાપસીડીની રમત શરૂ કરી.
અમારે ઓપોઝિશનવાળા પર ઇડી, સીબીઆઈ, સીઆઇડી, પ્રોહિબિશન, ઇન્કમટેકસની તવાઇની નવાઇ કયાં હોય છે??” રાજુ હીરાએ આક્રોશથી કહ્યું!!
“ તો? આ બાજુ આવી જાવ . બધી સમસ્યા પૂરી થશેપ.” રવિએ લાલચનો પાસો ફેંકયો .
“ એ ઉપરાંત ?” રાજુ હીરાએ વાક્ય અર્ધું છોડ્યું.
“ રાજુલાલે તમે ૧૦૦ એકર સરકારી જમીનમાં મંજૂરી વિના ખનિજ કાઢયું છે તે બધું વાઇન્ડઅપ અને કેબિનેટ મંત્રીની ખુરશીપ” મંત્રીરવિએ રાજુ સામે ગાજર લટકાવ્યું!!
“કંઇ કેશ?”રાજુ હીરાએ પૂછયું.
“ના.આમાં તમે તો અમારી આવો અથવાપપ” રવિ મંત્રી ફિલ્મી સ્ક્રિપ્ટના ડાયલોગ જેવો ડાયલોગ બોલી ગયા!!
અને રાજુ હીરાની મમરાના કોથળા જેવી૧૨૦ કિલોની કાયામાં મુઠી જેવડો અંતરાત્મા લાંબા અંતરાલ પછી ત્વરિત જાગ્રત થયો.જાગેલા અંતરાત્મા વિપક્ષનો વાડો કૂદીને શાસક પક્ષના સુંવાળા અને સગવડયુકત ખૂંટે બંધાય ગયો.
ઇતિ ગુજરાત ગાંધીનગર ખંડે અંતરાત્મા પુરાણ સમાપ્તિ!!

– ભરત વૈષ્ણવ