ગુજરાત રાજ્યના ૧૧૯ તાલુકાઓમાં મેઘ મહેર

2

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે, ગીર સોમનાથનું માધવરાયજી મંદિર અડધું પાણીમાં ડૂબી ગયું
ગુજરાતભરમાં ચોમાસું જામી ગયું છે, અમદાવાદમાં ઝાપટું પડ્યું પરંતુ વરસાદનું બે દિવસથી આગામન થયું છે અને આજે તથા આગામી દિવસોમાં પણ અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. વાત સૌરાષ્ટ્રની કરીએ તો અહીં પાછલા કેટલાક દિવસથી મેઘરાજા મહેરબાન છે જેમાં ગુરુવારે રાજ્યના ૧૧૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામકંડોરણામાં ૬ ઈંચ, ઉપલેટામાં ૫ ઈંચ, લોધિકામાં ૪ ઈંચ, જૂનાગઢના ભેંસાણ અને મેંદરડામાં ૩-૩ ઈંચ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથમાં સુત્રાપાડા, વેરાવળ અને કોડિનાર સહિતના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. જિલ્લાનું પ્રાચીન માધવરાયજીનું મંદિર અડધૂં પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જ્યારે ઘણાં ગામોમાં પાણી સામાન્ય ઓસર્યા પછી ફરી એકવાર વરસાદ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અહીં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગામી સૂચના સુધી માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. ૧૧૯ તાલુકાઓમાંથી ૩૦ તાલુકાઓમાં ૨થી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામકંડોરણામાં ૬ ઈંચ અને ઉપલેટામાં ૫ ઈંચ વરસાદથી આસપાસના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. આ સિવાય લોધિકા, કોટડા સાંગણી, ધોરાજી, ગોંડલમાં પણ સારો વરસાદ થયો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના લીધે સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર-૧ ડેમમાં નવા નીરની આવક થઈ હતી. ભારે વરસાદ બાદ ફોફળ નદીમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના લીધે ગોંડલ-જામકંડોરણા સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ તો પોરબંદરના કુતિયાણામાં ૨ ઈંચ, ભાવનગરના મહુવા અને તળાજામાં ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મણારી નદી પરનો પુલ તૂટી જવાથી અલંગ સંપર્ક વિહોણું થયું હતું. પુલનું કામ ચાલું હોવાથી ડાઈવર્ઝન પુલ બનાવવામાં આવ્યો હતો અને તે વરસાદમાં ધરાશાયી થયો હતો. સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાત પર પણ મેઘરાજા મહેરબાન છે અહીં પણ ઘણાં જિલ્લાઓમાં પાછલા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાપીમાં ૪ ઈંચ, સુરતના ચોર્યામાં ૩.૫ ઈંચ, વલસાડના પારડીમાં ૩ ઈંચ, નવસારીના ખેરગામમાં ૩ ઈંચ, ગણદેવીમાં ૨.૫ ઈંચ વરસાદ થયો હતો. કચ્છના માંડવી, નખતરાણામાં ભારે વરસાદ થયો હતો જ્યારે અંજાર, ગાંધીધામ, અબડાસા, લખપત સહિતના તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.