મોરબી મચ્છુ ૦૩ ડેમ ૭૦% ભરાયો, ૨૦થી વધુ ગામો એલર્ટ

22

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દ. ગુજરાતના જિલ્લાઓમાં હજુ ૪ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે
જીલ્લામાં પડી રહેલા સાર્વત્રિક અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેમાં મોરબી વહીવટી તંત્રએ મોરબી અને માળિયા મીયાણાના ૨૦થી વધુ ગામોને અલર્ટ આપ્યું છે. મોરબી તાલુકાના ૧૧ ગામ અને માળિયા મી.તાલુકાના ૦૯ ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા મચ્છુ ૦૩ ડેમ ૭૦ ટકા ભરાઈ જતા ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણીમાં મોરબી તાલુકાના ગોરખીજડિયા,વનાળિયા, સાદુરકા, માનસર, રવાપર(નદી), અમરનગર, નારણકા, ગૂંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા સહિતના અગિયાર ગામોને એલર્ટ આપાયું છે. આ સાથે જ્યારે માળિયા મી.તાલુકાના માળિયા, દેરાળા, મહેન્દ્રગઢ,મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વદરકા, ફતેપર, હરિપર સહિતના નવ ગામોને પણ એલર્ટ કરાયા છે અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ તમામ ગામના આગેવાનો અને સરપંચોને પણ કોઈ તકલીફ પડે તો મોરબી કલેકટર કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ ૪ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે. વલસાડમાં સતત ૩ દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં ૨ દિવસ રેડ એલર્ટ અને ૨ દિવસ ઓરેન્જ એલર્ટ છે. સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે.

Previous articleયુનિવર્સિટી કર્મચારી પરિવારની ચૂંટણીમાં પ્રમુખ પદે અરવિંદ ગોહેલ બિનહરીફ
Next articleનવસારી જિલ્લામાં મેઘ તાંડવ, સુરત જતો માર્ગ બંધ કરાયો