નવસારી જિલ્લામાં મેઘ તાંડવ, સુરત જતો માર્ગ બંધ કરાયો

7

નીચાણવાળા વિસ્તારોમાં ૨૦૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરાયુ : હાલ હિદાયત નગર, ગધેવાન, રિંગ રોડ, રંગુન નગર, કશિવાડી, મીઠીલાનગરી, શાંતદેવી, બંદરરોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન ખોરવાયું છે. જિલ્લાની પૂર્ણા નદીએ મંગળવારે સવારે ૨૮ ફૂટની સપાટી વટાવી દીધી હતી. નદીની ભયજનક સપાટી ૨૯ ફૂટ છે. બીજી તરફ નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણા ઘૂસી ગયા છે. બીજી તરફ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી અવરજવર બંધ કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે નવસારી અને સુરત વચ્ચેનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાલ શહેરના હિદાયત નગર, ગધેવાન, રિંગ રોડ, રંગુન નગર, કશિવાડી, મીઠીલાનગરી, શાંતદેવી, બંદરરોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. એક રિપોર્ટ પ્રમાણે શહેરમાં બે ફૂટથી લઈને ૧૫ ફૂટ સુધી ભરાયા છે. નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેના પગલે એનડીઆરએફ તરફથી હાલ નીચાણવાળા વિસ્તારોમાં ૨૦૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્ણા નદી જો ભયજનક સપાટી વટાવશે તો વિનાશ વેરશે. રાજ્યમાં વરસાદની આપદાને પહોંચી વળવા માટે એનડીઆરએફની વધુ પાંચ ટીમે તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહેલા અત્યંત ભારે વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં એનડીઆરએફની વધુ પાંચ ટીમ મોકલી છે. નવી પાંચ ટીમમાંથી નવસારી, તાપી, સુરત, ભરૂચ અને વડોદરામાં ૧-૧ ટીમ ફાળવવામં આવી છે. આ સાથે રાજ્યમાં એનડીઆરએફની હવે કુલ ૨૩ ટીમે તૈનાત છે. આ પહેલા રાજ્યમાં ૧૮ ટીમ તૈનાત હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના ૨૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૫૩૪ એમ.એમ. નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં ૫૦૮ એમ.એમ., ઉમરપાડામાં ૪૨૭ એમ.એમ., સાગબારામાં ૪૨૨ અને કપરાડામાં ૪૦૧ એમ.એમ. વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકા એવા છે જેમાં ૧૦ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. ૮૪ તાલુકા એવા છે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. ૧૩૮ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.