વાવણીનાં સમયે જ ડી.એ.પી. ખાતરનો ભાવ વધતા ખેડૂતો પરેશાન

1594

હાલ કાળજાળ ગરમી તેના અંતિમ પડાવ પર છે અને ચોમાસુ આંગણે દસ્તક દેવા આવી રહ્યુ છે ત્યારે અમરેલીમાં જગતનાં તાતે ખેતરોમાં વાવેતર સાથે પાયાનાં મહત્વનાં ખાતર ડી.એ.પી. ખાતરની ખરીદી આરંભી દીધી છે, પરંતુ છેલ્લા દસેક દિવસથી ડી.એ.પી. ખાતરમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો આવતા ખેડુતો પરેશાન થયા છે.

ગણતરીનાં દિવસોમાં જ ચોમાસુ બેસવાની આગાહીઓ કરાઈ રહી છે. જગતનાં તાતે પોતાના ખેતરોનાં પડા વાવેતર માટે તૈયાર કર્યા છે અને ખાસ કરીને કપાસ અને મગફળીનાં વાવેતર પહેલા ચાસમાં ડી.એ.પી. ખાતર ભરવામાં આવતુ હોય છે. કોઇ ખેડુતો વાવણીમાં બિયારણ સાથે પણ ડી.એ.પી. ખાતર ભેળવતા હોય છે, ત્યારે આ પાયાની જરૂરીયાત સમા ખાતરમાં ભાવ વધારો ઝીંકાતા ખેડૂત મુંઝાયો છે અને ખેડૂતની ખરીદીનાં સમય પહેલા થયેલ ભાવ વધારાને લઈને ખેડૂતની મુશ્કેલીમા વધારો થયો છે.

ગણતરીનાં દિવસોમાં વરસાદ થવાનો હોઇ ખેડૂતો પાયાનાં ખાતર ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝરનું ડી.એ.પી. ખાતર લેવા ડેપો પર આવી રહ્યા છે, ત્યારે આ ખાતરની થેલી દસેક દિવસ પહેલા બારસો રૂપિયાની મળતી હતી જ્યારે આજે તેમાં પચાસ રૂપિયાનો વધારો ઝીંકાતા ખેડૂતો નિરાશ થયા છે અને નારાજગી સાથે ખરીદી કરી રહ્યા છે. આ ખાતર પાયાનું ખાતર હોવાથી જરૂરી છે અને તેની ખરીદી તો કરવી જ પડે છે ત્યારે ખાતર લેવા આવેલા કેટલાક ખેડૂતોએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.

ડી.એ.પી.ખાતરમાં ભાવ વધારાને લઇને ખાતર વિક્રેતા અશ્વિનભાઇ રાખોલિયાએ કહ્યું કે, “મોંઘવારીનાં માર અને સતત દેવામાં ડૂબી રહેલો ખેડૂત સતત થઈ રહેલા ભાવ વધારાનાં કારણે ધીરે ધીરે કંગાળ બનતો જાય છે ત્યારે અમે ફર્ટિલાઈઝર ડેપોમાં જઈ ખાતરનાં ભાવ વધારાની વિગતો જાણી તો આ જ ડી.એ.પી. ખાતરનો ગત વર્ષનો ભાવ હતો રૂ.૧૧૮૫ હતો ત્યારે એમા વધારો થઈ આ વરસે રૂ.૧૨૦૦ થયો અને હવે જ્યારે ખેડુતોની જંગી ખરીદીનો સમય આવ્યો ત્યારે એમા રૂપિયા ૫૦નો વધારો થયો હોવાનું જાણવા મળેલ છે.”

ખેડૂતો માટે હમદર્દી દેખાડનાર સરકારે ખરે ટાઇમે ભાવવધારો કરી તેઓનું બજેટ ખોરવી નાખ્યુ છે ત્યારે સાચા અર્થમાં ખેડૂતોની સરકાર ક્યારે સાબિત થશે એ તો આવનારો સમય જ કહેશે.

Previous articleત્રણ સંતાનની માતાને ગળા પર છરી રાખી બંધ રૂમમાં ૧૨ નરાધમોએ  દુષ્કર્મ કર્યું
Next articleસિવીલ ખાતે ૧લી જૂન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે