૫ાંચ જુનથી રાજયમાં પર્યાવરણ અને સ્વચ્છતા સાપ્તાહિક અભિયાન

2133

વિશ્વ પર્યાવરણ દિવસથી સમગ્ર રાજ્યમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ રાજ્યવ્યાપી ઝુંબેશથી ગુજરાતના તમામ મહાનગરો, નગરો અને ગ્રામ વિસ્તારોને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્ર અને ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓને આહવાન કર્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે આજે આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનું યજમાનપદ ભારતને આપવામાં આવ્યું છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધર્યું છે, ત્યારે એ દિશામાં પ્રભાવક પગલાં તરીકે ગુજરાતમાં લોકો પર્યાવરણના જતન અને સંવર્ધનની સાથોસાથ સ્વચ્છતા માટે પણ આગળ આવે, એટલું જ નહીં પ્લાસ્ટિક પ્રદૂષણ અટકે અને કચરાનું મહત્તમ રિસાયકલીંગ થઇ શકે તે રીતે વર્ગીકરણ થાય એ માટે સઘન કામગીરી કરાશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય થીમ ‘બિટ પ્લાસ્ટિક પોલ્યુશન’ (પ્લાસ્ટિક પ્રદૂષણ પર અંકુશ મેળવીએ) છે. સમગ્ર મે મહિના દરમિયાન રાજ્યમાં સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત જળાશયો અને જળસ્ત્રોતો ઊંડા કરવાનું અભિયાન સફળતાપૂર્વક હાથ ધરાયું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનની અનુગામી કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય થીમને સાંકળી લઇને એક અઠવાડીયા સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરીને ગુજરાતને પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરીને આ માટે વિશેષ આયોજન કર્યું છે.

પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અને આ અભિયાનમાં જોડાનાર સરકારી અને બિનસરકારી સંગઠનોને પ્રોત્સાહિત કરવા પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર દ્વારા પુરસ્કારો અપાશે.

Previous articleધરતીના ખોળે ધર્મની વાતો
Next articleસૌરાષ્ટ્રના અમરેલી – ગારિયાધારમાં મેઘાનું આગમન