મહાનગર પાલિકા વિસ્તારમાં ચોપગા પ્રાણીઓ રાખવા પર પ્રતિબંધ

1297
gandhi11102017-5.jpg

મહાનગર પાલિકામાં રખડતા ઢોરોનો પ્રશ્ન હલ કરવાં છેવટે મનપાના કમિશનર ડી. એન. મોદીએ કાયદેસર પગલાં ભરતાં પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેથી શહેરમાં ઢોરો રાખવા તેમજ રખડતાં કરવા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેથી કરીને શહેરીજનોને રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે. 
ગાંધીનગર શહેરી વિસ્તારમાં સચિવાલય, વિધાનસભા, રાજભવન, મહાત્મા મંદિર, મંત્રીઓના રહેણાંક, ખાતાના વડાઓની કચેરીઓ તેમજ સરકારી અને ખાનગી રહેઠાણો આવેલા છે. ગાંધીનગર પાટનગર વિસ્તારમાં દિન – પ્રતિદિન, રખડતાં ઢોરોને સંખ્યા વધી રહી છે. તેમજ બહારથી કેટલાંક માલધારીઓ પાટનગરના સરહદી વિસ્તારમાં તેમજ પાટનગર વિસ્તારમાં પોતાના પશુધન સાથે કાયદેસર/ બિન કાયદેસર પણે વસવાટ રહે છે. આ ઉપરાંત સ્થળાંતર થતાં ઢોરો પણ ગાંધીનગર પાટનગર વિસ્તારમાં બિનવારસી મળી આવે છે તેમજ ગાંધીનગર શહેરના મોટા ભાગના સેકટરોમાં રખડતાં ઢોરનો ખૂબ જ ત્રાસ રહે છે. જેથી ગંદકી થાય છે અને રોગચાળાની સંભાવના રહે છે. ટ્રાફિક નિયમનમાં પણ ઘણી જ મુશ્કેલી પડે છે અને અકસ્માત થવાનો ભય રહે છે. જેથી જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેમજ જાહેર વ્યવસ્થા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે તે જોવાની ખૂબ જ જરૂરિયાત ઉભી થયેલ છે. 
મુંબઈ પોલીસ અધિનિયમ – ૧૯પ૧ ની કલમ – ૩૩ ની પેટા કલમ (ખ) અને (ગ) અન્વયે ગાંધીનગર શહેરમાં રખડતાં ઢોરોના નિયમન અંગેનું જાહેરનામું ગાંધીનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટસ દ્વારા રર મી સપ્ટેમ્બર, ૧૯૯ર ના રોજ બહાર પાડેલ હતું. જે સંદર્ભે મનપાના મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે જે મુજબ ગાંધીનગર શહેરી વિસ્તારમાં બિનઅધિકૃત વસવાટ અને વિસ્તારમાં ચોપગા પશુઓ રાખવા પર પ્રતિબંધ, કોઈપણ પશુને ગંદો પદાર્થ ખવડાવવો અથવા ખવડાવવા દેવો અથવા ખાવા દેવા પર પ્રતિબંધ, કોઈપણ પશુ અથવા પક્ષી ઉપદ્રવ થાય અથવા જોખમકારક થાય તેવી રીતે ગાંધીનગર મનપા વિસ્તારના તમામ સેકટરોમાં પોતાની જગ્યા રહેણાંકમાં રાખવા પર પ્રતિબંધ, ગાંધીનગર મનપાના તમામ સેકટરોની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને વસવાટ કરતાં ઈસમો / વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘોડા, ગાય, ભેંસ, બળદ, બકરાં- ઘેટા, ગધેડા વગેરે જેવા ચોપગા પશુઓ રાખવા માટે પ્રતિબંધ તેમજ ગેરકાયદેસર રીતે પશુ દ્વારા થતાં ત્રાસ, અડચણ તથા પશુઓ દ્વારા થતી ગંદકીને નાબુદ કરવાની કામગીરીના ભાગરૂપે એક પશુ દીઠ રૂ. પ૦૦/- જે તે કસૂરવાર પાસેથી વહીવટી ચાર્જ વસુલ લેવાનું તથા ગાંધીનગર મનપા દ્વારા વખતોવખત નિયત કરવામાં આવે તે વહીવટી ચાર્જ વસુલ કરવાનું જણાવ્યું હતું.
આ હુકમનો ભંગ / ઉલ્લંઘન કરનાર ઈસમ સામે નિયમ મુજબ ફોજદારી કાર્યવાહી કરાશે તેમજ જાહેર ત્રાસદાયક કૃત્ય માટેની શિક્ષા મુજબ શિક્ષાને પાત્ર થશે. 

Previous articleગાંધીનગરતાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
Next articleરાજુલા- મહુવા હાઈવે પર યોગ્ય દિશા સુચક બોર્ડ લગાવાની લોક માંગ