ફુડ તંત્ર આખરે જાગ્યું : કેટલીક જગ્યાએ દરોડા પાડી અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

1157

ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ શાખાની ટીમ આજે ફરી વિવિધ જગ્યાઓ પર ત્રાટકી હતી અને ચેકીંગ હાથ ધર્યું હતું. સ્વાદના નામે લોકોને ઝેર પીરસાઈ રહ્યું છે તેવું દેખાય આવે છે. વાસી અને સડેલો ખોરાક લોકોને ખાવા માટે પીરસવામાં આવે છે. આજે ફુડ શાખાની ટીમે કુલ મળીને ૯૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. આદિવાડાની ઝુંપડપટ્ટીમાં પણ પાણીપુરીના એકમો પર ટીમે દરોડા કર્યા હતા. અને ત્યાંથી પણ શંકાસ્પદ લાગતા જથ્થાનો નિકાલકરાયો હતો.

ખાણીપીણીની સૌથી માનીતી જગ્યા ઘ-૫ ની ફુડ કોર્ટ ગણાય છે. આજે ૧૨ સ્ટોલ પર ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન ૨૭ કિલો પાઉંના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પાઉં વાસી અને ફુગાયેલા જણાઈ આવ્યા હતા. આ ઉપરાંત વાસી રોટલા, શાક, વઘારેલા ભાત, રીંગણાનો આળો, છાશ, કઢી સહિતના જથ્થાનો સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો.

લોકોને આવો બિનઆરોગ્યપ્રદ ખોરાકી ચીજ વસ્તુ પધરાવી  કમાણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. મોટાભાગના વિસ્તારમાં સફાઈનો પણ અભાવ માલુમ પડતો હતો. મ્યુનિ તંત્રની ટીમે ફુડ કોર્ટ વિસ્તારમાંથી ૪૨ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે આદિવાડાની ઝુપડપટ્ટીમાં છ જેટલા પાણીપુરીના એકમો પર પણ ટીમે દરોડા કરીને ખરાબ પુરીઓનો નાશ કર્યો હતો. પાણીપુરીવાળા ખરાબ પુરીનો ફરીથી ઉપયોગ ન કરે તે માટે થઈને તેનો ભુક્કો કરી નાંખ્યા હતો અને ત્યારબાદ તેને કચરામાં ફેંકાયો હતો. આ જગ્યાએ પુરીઓ તૈયાર થઈ રહી હતી. ત્યારે ક્યાંક તેલ ખરાબ જણાઈ આવતાં તેનો પણ નિકાલ કરાયો હતો. અને ખરાબ સડેલા બટેટા, ચણા, રગડો સહિત ૪૯ કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો.

Previous articleપ્રાંતિજના તાજપુર પાસે હાઇવે પરની હોટલમાંથી જુગારધામ પકડાતા ચકચાર
Next articleસમાજ હિતની શરતે રેશ્મા-વરુણનું હાર્દિકને સમર્થન