ગુજરાતના વિકાસ મૉડલને આખો દેશ અનુસરી રહ્યો છે : યોગી આદિત્યનાથ

807
guj14102017-4.jpg

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ ભાજપની ગૌરવ યાત્રામાં સામેલ થયા છે. યોગીએ પારડીમાં સભાને સંબોધતા ગુજરાત મોડેલના વખાણ કર્યા. સાથે જ ગુજરાત મોડેલને આધારે યુપીનો વિકાસ કરવાની વાત કરી.
તેમણે હિન્દુત્વનો મુદ્દો ઉછાળતા કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ યુપીની ધરતીથી ગુજરાત આવ્યા હતા. યોગીએ સરદાર પટેલના વખાણ કર્યા હતા. સાથે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. યુપીના મુખ્યપ્રધાન યોગીએ જય શ્રીકૃષ્ણ કહી સંબોધન કર્યું, યોગી જીએ ગુજરાતીમાં સંબોધન કર્યું કહ્યું આ પુણ્ય ભૂમિને મારા નમન છે. આ સરદાર પટેલની ધરતી છે અને આખી દુનિયામાં ભારતનું ગૌરવ છે. આજે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે ગુજરાતને જોવામાં આવે છે અને આ વિકાસની ગાથાને આખો દેશ અનુસરી રહ્યો છે.
યોગીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પોતાના મતક્ષેત્ર અમેઠીમાં વિકાસના કોઈ કાર્યો થયા નથી. ત્યારે અમે ત્યાં વિકાસના કાર્યો શરૂ કરતાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે.
ભાજપની ગૌરવયાત્રામાં હાજરી આપવાની સાથે યાત્રામાં જોડાવવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વલસાડ ખાતે આવ્યાં હતાં. જ્યાં તેમણે કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપની સરકાર બની તે વાત કોંગ્રેસ અને રાહુલને પચતી નથી. મોદી સરકારમાં કરપ્શન, કાળા બજાર, બ્લેક મની વિરુધ્ધ આકરા પગલાં લેવાઈ રહ્યાં છે. આ વાતથી કોંગ્રેસના પેટમાં ચૂંક ઉપડી છે. સાથે જ યોગીએ સવાલ કરતાં કહ્યું કે, એક પણ યોગ્ય કારણ ન હોવા છતાં રાહુલ ગાંધી શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહ્યાં છે ? બસ એટલે જ કે વડાપ્રધાન એકદમ સ્વચ્છ છબી ધરાવે છે.
યોગીએ જણાવ્યું કે રાહુલ ગાંધી કેટલાય વર્ષોથી અમેઠીમાં સાંસદ રહ્યા છે તો પછી હજી સુધી અમેઠીનો વિકાસ શાં માટે નથી થયો? શાં માટે કોંગ્રેસને ચૂંટણી સમયે જ અમેઠી યાદ આવે છે? આ વર્ષે અમારી તે પ્રદેશમાં સરકાર બની તો અમે અમેઠી જિલ્લા મુખ્યાલય માટે ૨૧ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અમે લોકોએ અમેઠીના વિકાસ માટે ઉઠાવેલું આ પગલું એ વાત સ્પષ્ટ કરે છે કે અમે લોકો વિકાસને લઈને કોઈપણ પ્રકારનો ભેદભાવ ક્યારેય નથી રાખતા.
ભાજપના સ્ટાર પ્રચારક યોગીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. તમામ રાજ્યો ગુજરાત મોડલને અનુસરી રહ્યાં છે. ગુજરાત ઉદ્યોગ ધંધાની સાથે સાથે રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાતની દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. જે અમુક લોકોથી જોવાતી નથી. કોંગ્રેસે દેશને અને સરદાર પટેલ સાથે પણ અન્યાય કર્યો હતો. ગુજરાતમાં નર્મદાના નીરથી સોનું પાકી રહ્યું છે. જે ખોટો પ્રચાર કરનારાથી જોવાતો નથી. તેમ કહીં યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં.
હિન્દુત્વની વિચારધારાને વરેલા યુપીના મુખ્યમંત્રીએ પ્રજાના માનસપટલ પર કમળની છાપ છોડવા અને ચીખલી સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારો તથા નવસારી શહેરમાં કોંગ્રેસપર વરસી પડ્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસને પાકિસ્તાન અને ચીન તરફી ગણાવ્યું હતું અને ભ્રષ્ટાચારના મૂળ તરીકે કોંગ્રેસને ચીતર્યું હતું.
બીજા દિવસે તારીખ ૧૪ ઓક્ટોબરે કચ્છ જીલ્લામાં ગૌરવ યાત્રામાં હાજરી આપશે. વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં ૬ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૩૬ કિલોમીટરનો પ્રવાસ કરશે. તેમજ વલસાડ, ચીખલી, એરૂ, કબીલપોર અને સચીન ખાતે જાહેરસભા યોજાશે. ગણદેવી અને અબ્રામા ખાતે સ્વાગત સભા તથા ગૌરવ યાત્રાનું ૪ સ્થાનો પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે.
નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત ઝોનમાં કચ્છ જીલ્લામાં ૪ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૪૭ કિલોમીટરનો પ્રવાસ કરશે. રાપર, સામખીયાણી, વોંધ, ગાંધીધામ, અંજાર અને ભૂજ ખાતે જાહેરસભા યોજાશે અને ગૌરવ યાત્રાનું ૬ સ્થાનો પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે.