બિટકોઇન કેસના મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજીને CID ક્રાઈમ બ્રાંચે દિલ્હી એરપોર્ટથી ઝડપી લીધો

2123

બિટકોઇન તોડ મામલામાં CID ક્રાઈમે મોટી સફળતા હાથ લાગી છે. CID ક્રાઈમે બિટકોઇન તોડ મામલાના મુખ્ય સુત્રધારની દિલ્હીથી ધરપકડ કરી છે. જેના ઉપર બિટનેક્ટને માર્કેટમાં મુકીને છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં અન્ય લોકોની પણ ધરપકડ થવાની સંભાવના છે. આ મુખ્ય સુત્રધાર સમગ્ર દેશમાં થતા રોકાણમાં કમિશન મેળતો હોવાનો પણ આરોપ છે.

મળતી માહિતી પ્રમાણે CID ક્રાઈમે બિટકોઇન કૌભાંડના મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજી દુબઇથી દિલ્હી એરપોર્ટ ઉપર આવ્યો હતો. દિલ્હી એરપોર્ટ ઉપરથી તેમને ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેની CID ક્રાઈમે ધરપકડ કરી હતી. આ ઉપરાંત બીટકનેક્ટ કંપનીના ડાયરેક્ટ એવા ધવલ માવાણી અને સતિષ કુંભાણી બંને આરોપીઓ હજી ફરાર છે. જોકે, પોલીસ હવે તેમના સુધી પહોંચી જશે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સીઆઇડી ક્રાઇમના અધિકારીના જણાવ્યા પ્રમાણે બિટકનેક્ટ કંપની ૨૦૧૬માં અસ્તિત્વમાં આવી હતી. જ્યારે ૨૦૧૭માં આ કંપની દ્વારા બિટકનેક્ટ કોઇન લોંચ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને ચાલુ વર્ષના જાન્યુઆરી મહિના સુધી આ કંપની કાર્યરત હતી. દિવ્યેશ દરજી આ કંપની દ્વારા સમગ્ર ભારતમાં જે કોઇ રોકાણ થતું તેમાંથી કમિશન પણ મેળવતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, દિવ્યેશ દરજી બિટકનેક્ટ કંપનીનો ભાગીદાર અને કમિશન પણ લેતો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દિવ્યેશ દરજીએ ૧ કરોડ ૮૦ લાખના બીટ કોઇનનું વેચાણ કર્યું હતું.

સીઆઇડી ક્રાઇમને દિવ્યેશ દરજીના રૂપમાં મળેલી આ મોટ સફળતા ગણી શકાય.