હાર્દિક પટેલની અટકાયત બાદ જામીન પર છુટકારો

1146

એક દિવસના પ્રતિક ઉપવાસ કરે તે પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી દેવામાં આવી હતી. જો કે, મોડેથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ હાર્દિક પટેલ સહિત નવ લોકોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પોલીસ પર હાર્દિક પટેલ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે, મોડેથી બધાને મુક્ત કરાયા હતા.

આગામી તા.૨૫મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટેની તંત્ર દ્વારા મંજૂરી નહી મળતાં પાટીદાર યુવા નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પોલીસની અધિકૃત મંજૂરી વિના જ આજે શહેરના નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું પરંતુ પ્રતિક ઉપવાસ પહેલાં જ પોલીસે નિકોલ જવા નીકળેલા હાર્દિક પટેલ અને તેના સંખ્યાબંધ સમર્થકોની અટકાયત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહી, પોલીસ સાથે ઘર્ષણ અને શાબ્દિક ટપાટપી બાદ ક્રાઇમબ્રાંચે હાર્દિક પટેલ સહિત કુલ નવ જણાં સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તણૂંકનો ગુનો દાખલ કર્યો હતો. જેને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ક્રાઇમબ્રાંચ દ્વારા જે પાટીદાર આગેવાનો સામે ગુનો દાખલ કરાયો છે , તેમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, મનોજ પાનારા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ અને જતીન સિરોયાનો સમાવેશ થાય છે. આ તમામ આગેવાનો સહિત ૪૦ પાટીદાર યુવકોની અટકાયત બાદ પાટીદાર સમાજના યુવકો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ક્રાઇમબ્રાંચની બહાર એકત્ર થઇ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયુ હતું. પોલીસની ભૂમિકાથી નારાજ પાટીદાર સમાજના લોકોએ હાર્દિકના સમર્થનમાં અને પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી વાતાવરણ ગજવી મૂકયું હતું. પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના જોરદાર નારાઓ પણ લગાવ્યા હતા.

આજના પ્રતિક ઉપવાસ માટે નિકોલ જવા નીકળતા હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન  તેના સમર્થકોએ જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. પરંતુ ત્યારબાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી. દરમ્યાન અટકાયત પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. મારા ઘર બહાર પોલીસનો કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતું હું ચોક્કસ ઉપવાસ કરીશ. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે ૫૦૦ જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે ૩૦૦ જેટલા કાર્યકર્તાઓની અત્યારથી જ અટકાયત કરી લીધી છે. અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા પરંતુ અમે અમારા હક્ક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે. નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે.

દરમ્યાન હાર્દિકે ટિ્‌વટ કરીને કહ્યું કે, પોલીસે ૧૩૦ વધુ લોકોની અટકાયત કરી છે. જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી ૫૮ લોકો, રાજકોટથી અમદાવાદ આવતા ૨૬ની ચોટીલામાંથી અટકાયત કરાઈ છે. જ્યારે તેના નિવાસસ્થાને તેના સહીત ૫૮ લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે અને મારા ઘરે ૨૦૦ પોલીસ કર્મી ગોઠવવામાં આવ્યા છે. જો કે, હાર્દિક પટેલ અને તેના સમર્થક આગેવાનોની અટકાયતને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તો બીજીબાજુ, પોલીસ અને તંત્ર દ્વારા અગમચેતીના પગલારૂપે તમામ પ્રકારની તકેદારી રખાઇ છે.

Previous articleહાર્દિકની ધરપકડ થતા જ  મુક્ત કરવાની માંગ સાથે ક્રાઈમ બ્રાન્ચ સુત્રોચ્ચાર યોજાયા હતા
Next articleગુજરાતમાં લોકશાહી જોખમમાં  : પરેશ ધાનાણી