આચારસંહિતના ભંગ સંદર્ભે પંચ દ્વારા મોદીને ક્લિનચીટ

696

ગુજરાત લોકસભાની ચૂંટણી દરમ્યાન ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવા આવ્યા તે દરમ્યાન યોજેલા રોડ-શોને લઇ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતના ભંગની ફરિયાદ કરી હતી.

જો કે, ચૂંટણી પંચે સમગ્ર મામલે તપાસ અને ખરાઇ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આખરે કલીનચિટ્‌ આપી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તુત મામલામાં વડાપ્રધાન મોદી દ્વારા કોઇપણ પ્રકારે ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓ કે માર્ગદર્શિકાઓનો ભંગ કરાયો નથી. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે ગઇકાલે મતદાન યોજાયું હતું.

પીએમ મોદી પણ મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ સૌથી પહેલા માતા હીરાબાની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ખુલ્લી જીપમાં મતદાન કેન્દ્ર રાણીપની નિશાન સ્કૂલ પહોંચ્યા હતા અને રોડ-શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જેથી કોંગ્રેસે ચૂંટણી પંચને પીએમ મોદીએ આચારસંહિતા ભંગ કર્યું હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસનો આરોપ હતો કે,  પીએમ મોદીએ મત આપ્યા બાદ રોડ શો કરીને આચારસંહિતાનું ઉંલ્લઘન કર્યું છે.

જો કે, આ સમગ્ર મામલે ચૂંટણી આયોગે વડાપ્રધાન મોદીને ક્લિનચીટ આપી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે, ગઇકાલના મતદાન દરમ્યાન અમદાવાદમાં મોદીએ આચાર સંહિતાનો ભંગ કર્યો નથી.

આમ, ચૂંટણી પંચે તેનું વલણ સ્પષ્ટ કરી દેતાં હવે કોંગ્રેસે ઉઠાવેલા સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. તો, ભાજપના નેતાઓએ તેને નૈતિકતાની જીત ગણાવી હતી.

Previous articleમતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો : મનિષ દોશી
Next articleરાજ્યમાં હિટવેવ ચેતવણી જારી