સ્નેકસ લવર્સ કલબ દ્વારા સર્પ બચાવવાની એપ્સ શરૂ કરાઈ

1213

ચોમાસુ આવે એટલે ચારે તરફ હરીયાળી છવાઈ જાય. ચોમાસાના દિવસોમાં એવુ પ્રતિત થાય કે જાણે કુદરત ઉત્સવ મનાવી રહી છે. ચોમાસા દરમિયાન જ લોકો પોતાની ઘરે આવી ચડતા સર્પોને મારી નાખતા હોય છે. આજે ગામડાના ખેડૂતો પણ એન્ડ્રોઈડ ફોન વાપરતા થયા છે ત્યારે ગાંધીનગરમાં સ્નેક લવર્સ કલબ ચલાવતા ધર્મેન્દ્રભાઈએ સ્નેક લવર્સ કલબ નામની એપ ડેવલોપ કરી છે. આ એપ હાલ ગુગલ એપ પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ એપ અંગ્રેજી અને ગુજરાતી બંન્ને ભાષામાં ઉપલબ્ધ છે. આ એપમાં નજીકનું સંપર્ક સ્થાન ટેબ પર ક્લિક કરી તમારું શહેર અથવા નજીકના શહેરનું નામ પસંદ કરી સર્ચ કરવાથી આપની નજીકના સર્પ બચાવ કરતાં સ્વયંસેવી વ્યક્તિઓના નામ, સરનામ અને ફોન નંબર મળી આવશે. સર્પ ખોરાકની શોધમાં અથવા છૂપાવા માટે તમારા ઘરમાં આવી ચડતો હોય છે. તેથી તેને મોતને ઘાટ ઉતારવાને બદલે તેને પણ જીવવાની તક આપવી જોઈએ.

આ એપ્લિકેશનના માધ્યમથી ધર્મેન્દ્રભાઈએ ગુજરાતના સર્વે સર્પ બચાવનારાઓને આ એપ્લિકશેનમાં રજીસ્ટ્રેશન કરાવવા તથા આમ જનતાને કયારેય સર્પ સંબંધી સમસ્યા હોય તેવા કિસ્સામાં નજીકના સર્પમિત્રને શોધવા તથા સર્પ અંગે સામાન્ય માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરવા પણ અપીલ કરી છે.

આ એપ્લિકેશન દ્વારા પૈસા કમાવાનો હેતુ ન હોવાથી તથા માત્ર સેવાભાવ હોવાથી તેમાં કોઈ જાહેરખબર મુકવામાં આવી નથી.