મંદસોર ગેંગરેપ કેસ : બંને દોષિતને ફાંસીની સજા થઇ

1571

મધ્યપ્રદેશના મંદસોરમાં સાત વર્ષની બાળકીની સાથે બર્બર ગેંગરેપના મામલામાં ખાસ અદાલતે બંને અપરાધીઓને ફાંસીની સજા ફટકારી દીધી છે. આ પહેલા કોર્ટે ઇરફાન અને આશીફ બંનેને દોષિત જાહેર કર્યા હતા. સાત વર્ષીય પીડિતાએ ગયા મહિને ખાસ અદાલતમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આરોપીઓને ઓળખી કાઢ્યા હતા.

૬મી જૂનના દિવસે બે યુવકો ઇરફાન અને આશીફે સ્કુલથી રજા થયા બાદ બાળકીનું અપહરણ કરી લીધું હતું તે વખતે સ્કુલની બહાર તેના પિતાની તે રાહ જોઈ રહી હતી.

બાળકી બીજા દિવસે સવારમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને ગંભીર હાલતમાં ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

શરૂઆતમાં બાળકીની હાલત ગંભીર રહ્યા બાદ તેની સ્થિતિમાં સુધારો થયો હતો. તબીબોએ કહ્યું હતું કે, હુમલાખોરોએ બાળકીના માથા, ચહેરા અને ગર્દન પર ધારદાર હથિયારથી પ્રહાર કર્યા હતા. આની સાથે જ તેને ખુબ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેના લીધે બાળકીને અનેક પ્રકારની સર્જરીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. ઘણા સમય સુધી ભારે હોબાળો થયા બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા સમય સુધી આઈસીયુમાં રહ્યા બાદ ગયા મહિને આ બાળકી સ્વસ્થ થઇ હતી. આને લઇને દેશભરમાં હોબાળો થયો હતો. પોલીસે બાળકીની સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના આરોપમાં બંને અપરાધીઓને ૪૮ કલાકની અંદર જ પકડી પાડ્યા હતા. આ અમાનવીય ઘટનાને લઇને મંદસોર સહિત દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતું. અપરાધીઓને તરત જ ફાંસી આપવાની માંગ ઉઠી હતી. પોલીસે અતિઝડપથી તપાસ હાથ ધરી હતી. મુસ્લિમ સમુદાયના  લોકોએ પણ નારાજગી વ્યક્ત કરીને આ પ્રકારના લોકોની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલામાં ૩૫ સાક્ષીઓ રજૂ કર્યા હતા. મધ્યપ્રદેશમાં બાળકીઓ ઉપર બળાત્કારના મામલામાં હજુ સુધી ૧૪ દોષિતોને ફાંસીની સજા કરવામાં આવી ચુકી છે. પોલીસે ૧૯૭ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. મંદસોર ગેંગરેપ કેસને લઇને કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો. આખરે આ મામલામાં બંને અપરાધીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

 

Previous articleઅંતરિક્ષમાં ભારતનો ડંકો : ચંદ્રયાને પાણી બાદ ચંદ્ર પર બરફ હોવાના પુરાવા આપ્યા
Next articleકેરળના પુનઃ નિર્માણ માટે ૭૦૦ કરોડ આપવાની UAEની જાહેરાત