બળાત્કારના આરોપી જૈન મુનિના પોલીસે રિમાન્ડ ન માંગતાં જેલ હવાલે કરી દેવાયા

671
guj16102017-7.jpg

વડોદરામાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય કોલેજિયન યુવતી પર બળાત્કાર ગુજારવાનો ગુનો જેની સામે નોંધાયો હતો તે દિગમ્બર જૈન સમાજના આચાર્ય શાંતિસાગરની અઠવા પોલીસે શનિવારે રાત્રે ધરપકડ કરી હતી. જેને તબીબી પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં દોઢ કલાકની મહેનત પછી પણ પરિક્ષણ કરી શકાયું ન હતું. પરિણામે હવે ફોરેન્સિક સાયન્સનો સહારો લેવાનું નક્કી કરાયું છે. બીજી તરફ પોલીસે પણ જૈન મુનીના રિમાન્ડની માગણી ન કરતા આરોપી મુનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.  સુરતના  નાનપુરા ટીમલિયાવાડ ખાતે આવેલા ભગવાન મહાવીર દિગમ્બર જૈન મંદિરની બાજુમાં ઉપાશ્રય છે. જ્યાં આ આચાર્ય રહેતા હતા. જેને માર્ચ ૨૦૧૭થી એટલે કે સાત મહિના પૂર્વે મધ્યપ્રદેશના એક પરિવારે ગુરુ માન્યા હતા.
આ ગુનામાં શનિવારે રાત્રે આચાર્યની અઠવા પોલીસે ધરપકડ કરી હતી. જેને રાત્રે દસ વાગ્યે તબીબી પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં દોઢ કલાક એટલે કે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી તબીબોએ પ્રયત્નો કર્યા પણ શારીરિક ક્ષમતા તપાસવામાં નિષ્ફળતા મળી હતી. જેથી તેને જવા દેવાયા હતા. હવે પાછા બોલાવી પરિક્ષણ કરાશે. આમ છતાં પરિક્ષણ ન થઈ શકે તો ફોરેન્સિક સાયન્સનો આશરો લેવામાં આવશે.આ ઘટનામાં નોંધપાત્ર બે બાબત એ છે કે આ દિગમ્બર જૈન આચાર્યને મેડિકલ ચેકઅપ માટે જ્યારે પોલીસ સ્ટેશનની બહાર લઈ જવાયા તે વખતે તેમને કપડાં પહેરાવાયા હતા અને વાહનમાં બેસાડાયા હતા. છેલ્લાં ૨૫ વર્ષથી તે વાહનમાં બેઠાં જ ન હતા.બીજી તરફ દુષ્કર્મના આરોપી જૈનમુનીને ગત રાત્રે જજના ઘરે રજૂ કરાયા હતાં. જ્યાં પોલીસે આરોપી મુનીના રિમાન્ડની માગણી ન કરતા  તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.