માળનાથ મહાદેવની પ્રાગટ્યગાથા

2140

ભાવનગર શહેરથી ૨૬ કી.મી. દુર ભંડારીયાની ગીરકંદરામાં નૈસર્ગિક, રમણીક અને નયનરમ્ય માળનાથ ધામ આવેલું છે. અસંખ્ય યાત્રાળુઓના શ્રધ્ધાનું સ્થાનક સમા માળનાથ મહાદેવની આશરે ૬૫૦ વર્ષ (ઈ.સ.૧૩૫૪)પૂર્વે નગરશેઠ વણિક સદગૃહસ્થ દ્વારા સ્થાપના કરવામાં આવી.

આ માળનાથ મહાદેવની પુરાતન જગ્યાનો ઈતિહાસ અનોખો છે. પ્રાચીન સમયમાં મહાદેવમાં ધર્મનિષ્ઠ અને નિતીવાન શ્રેષ્ઠ વણિક નગર શેઠ પીરમબેટમાં રહેતા હતા. ગૌમાતા પ્રત્યે પ્રેમ-વશ થઈને વણિક નગરશેઠ ઉચી પ્રકારની ગાયો રાખતા. એ ગાયો થકી પ્રાપ્ત થતા દુધ-દહિ, ઘી, સાધુ બ્રાહ્મણોને આપી સંતોષ પમાડતા. આ ગાયોમાંથી સુરભી નામની ગાય સમુદ્રમાં તરીને સામે કાંઠે આવેલ ભંડારીયાના ડુંગરોમાં ચરવી જતી, એક દિવસ આ ગાયનું પુંછ થોભી શ્રમિક ગરીબ ગોવાળ ખરૂ કારણ શોધવાની પ્રબળ ઉત્કંઠાની ગાયની સાથે સમુદ્ર કાંઠે પહોચ્યા ત્યાં આવી ડુંગરોમાં જઈ જુએ છે તો સુરભી ગાય રાફડા ઉપર દુધ વરસાવતી જોઈ. આ આશ્ચર્ય સાથે ગોવાળ સંધ્યા સમયે પાછી ફરતી સુરભી નામની કામધેનુ (ગાય)ની સાથે ચાલ્યો. આ ચમત્કારી જગ્યાના એંધાણ મેળવવા ગોવાળે સામેથી આવતી સૌભાગ્યવતી સ્ત્રી પાસેથી જાણવા મળ્યુ કે આ જગ્યા વિરાકુબાના નામથી ઓળખાય છે. આ વાતની જાણ વણિક નગરશેઠને થતા તેઓ કુટુંબ તથા ગોવાળને લઈ જ્યાં સુરભી ગાય રાફડા ઉપર દુધનો અભિષેક કરતી હતી ત્યાં આવી સૌએ નિહાળી શેઠે ગોવાળ ડાંગથી રાફડો ખોદવાનું કહ્યુ ત્યાં ખોદતા તેમાંથી નાગદાદા નીકળ્યા વધારે ઉંડુ ખોદવાથી તેમાંથી ત્રણ ‘‘શિવ બાણ’’મળ્યા. આ પુંજાયેલા મળેલા ‘‘શિવબાણ’’ની ભંડારીયાના ડુંગરોમાં વણિક શેઠની ઈચ્છાથી ‘‘માળનાથ મહાદેવ’’ના નામ સાથે સુશોભીત મંદિરની સ્થાપના કરી.

આ માળનાથ મંદિર પ્રાચીન શીવાલય તરીકે ભાવિક ભક્તોમાં અતિ આસ્થાનું સ્થાન ધરાવે છે. ભક્ત-ભક્તિ અને ભગવાન એ અહીની ખાસ વિશેષતા હોઈ. શ્રાવણમાસ તેમજ અન્ય નાના-મોટા તહેવારમાં અહી માનવ મહેરામણ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ પોતાની જાતને ધન્યતા પ્રાપ્ત કર્યાનો અનુભવ કરે છે.

આ મંદિરમાં ચાલતી ધાર્મિક પ્રવૃત્તિની વાત કરીએ તો દિપમાળ તરીકેની વિધી એટલે કે ભગવાન મહાદેવ શીવશંકર ભોળાનાથ મહાદેવને ૧૦૮ દિવા પ્રગટાવી કરવામાં આવતી ભક્તિ વિધીને દિપમાળ તરીકે ઓળખવામાં આવે છે આ દિપમાળાનું ખુબજ મહત્વ છે. જો કોઈ આસ્થાથી ભાવી ભક્તિથી આ દિપમાળાના દર્શન કરે તો તેની તમામ પ્રકારની મનોકામના દાદા માળનાથ પરીપૂર્ણ કરે છે.

અહીયા સેવા કાર્ય કરતા સત્સંગ મંડળની વાત કરીએ તો છેલ્લા ઘણાં વર્ષોથી એટલે કે તા.૧૯-૧-૧૯૯૨ના રોજ માળનાથ ગૃપની સ્થાપના કરવામાં આવેલ છે. આ ગૃપમાં તમામ વર્ગ સેવાભાવી કાર્યકર સાથ સહકારમાં રહી અનેક પ્રકારની ધાર્મીક પ્રવૃત્તિ કરતા રહે છે. તેમા ખાસ કરીને માળનાથ ગ્રૃપના હરિભાઈ શાહ, ચંદુભા ગોહિલ, જયેશભાઈ પંડ્યા, ધર્મેશભાઈ શાહ, જયેશભાઈ ડોડીયા દ્વારા અહી ચણ ચણવા આવતા પક્ષીની ખુબજ માવજત કરવામાં આવે છે. ધાર્મિક ભક્તોને માળનાથ ગૃપ વતી હરીભાઈ શાહ ચકલાના માળા તેમજ પારેવાને જાર નાંખવાની ધાર્મીક પ્રવૃત્તિ ખુબજ ઉત્સાહ ભેર કરવામાં આવે છે.