અલ્પેશના કાર્યક્રમના સદર્ભમાં રાહુલ આજે ગુજરાત પહોંચશે

909
gandhi23102017-4.jpg

કોંગ્રેસ પક્ષ દ્વારા પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, તે પૈકી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર તો આવતીકાલે વિધિવત્‌ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઇ જવાની જાહેરાત કરી દીધી છે, તેને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, એક તરફ કોંગ્રેસમાં આ વખતે સરકાર બનાવવાની આશાઓ ઉગતી જણાઇ રહી છે, તો બીજીબાજુ, આ ત્રણેય યુવા નેતાઓના વિરોધને લઇ ભાજપમાં ચિંતાની લાગણી પ્રસરી છે. બીજીબાજુ, આવતીકાલે ગાંધીનગર ખાતે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાવાના કાર્યક્રમ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ હાજર રહેવાના છે. આ કાર્યક્રમને લઇ આવતીકાલે રાહુલ ગાંધી ખાસ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના છે. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવામાં ભાજપ સફળ નહી થાય. તો, અલ્પેશ ઠાકોરે પણ હુંકાર કર્યો હતો કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બનશે.     આવતીકાલે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ગાંધીનગર સેક્ટર-૧૧ ખાતે વિશાળ મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં વિધિવત્‌ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશે આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. અલ્પેશ ઠાકોર પોતાના ઠાકોર સમાજના લાખો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાણ કરશે, તેના કારણે કોંગ્રેસનું બળ સ્વાભાવિક રીતે નોંધપાત્ર રીતે વધશે, જેનો સીધો ફાયદો આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને થાય તેવી પૂરી શકયતા છે. 
દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને જણાવ્યું હતું કે, કોંગ્રેસના દ્વાર આ ત્રણેય યુવા નેતાઓ માટે ખુલ્લા છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ જે કારણ માટે લડત આપી રહ્યા છે, તે બદલ કોંગ્રેસ તેમનું સન્માન કરે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવા તેમણે હાર્દિક પટેલેને અપીલ કરી હતી. હાર્દિક જો વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છતો હોય તો, કોંગ્રેસ તેમને ટિકિટ પણ આપવા તૈયાર છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે સ્પષ્ટ કર્યું હતું, ઉપરોકત ત્રણેય યુવા નેતાઓના ટેકાથી કોંગ્રેસ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫થી વધુ બેઠકો મેળવશે અને રાજયમાં કોંગ્રેસની સરકાર બનશે. આ વખતે કોંગ્રેસને હરાવવામાં ભાજપ સફળ નહી થાય. ભરતસિંહે રાજયસભાની ચૂંટણી વખતે એહમદ પટેલને મત આપના જેડી(યુ)ના ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને એનસીપીના નેતાઓને પણ કોંગ્રેસમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.