સ્માર્ટસિટી વિકસાવવા કંડલા પોર્ટને પર્યાવરણની લીલીઝંડી

1148
gandhi23102017-5.jpg

કંડલા પોર્ટ ટ્રસ્ટને કચ્છમાં ૧૧૭૬ કરોડ રૂપિયાના સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી સ્થાપિત કરવા માટે પર્યાવરણની મંજુરી મળી ગઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દરખાસ્ત ગાંધીધામમાં બે જુદા જુદા સ્થળ પર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટસિટી વિકસિત કરવા સાથે સંબંધિત છે. ગાંધીધામમાં ૩૫૭૮૯ ફ્લેટ, સ્કૂલો અને પાર્ક સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે આના કારણે ૬૦૦૦૦ કરોડ લોકોને સીધીરીતે રોજગાર મળશે. પર્યાવરણ મંત્રાલય દ્વારા કંડલા પોર્ટની દરખાસ્તમાં ચકાસણી કરવામાં આવ્યા બાદ બે જુદા જુદા સ્થળ ઉપર સ્માર્ટસિટી વિકસિત કરવા માટે અંતિમ પર્યાવરણની મંજુરી આપી દીધી છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે, બે સ્થળો માટે જુદી જુદી દરખાસ્ત સુપરત કરવામાં આવી હતી. બંને દરખાસ્તોને કેટલાક નજીવા સુધારા સાથે મંજુરી આપી દેવામાં આવી છે. મંત્રાલયની નિષ્ણાત પેનલ દ્વારા બાબતોને ધ્યાનમાં લીધા બાદ આને મંજુરી અપાઈ છે. દરખાસ્ત મુજબ એક સ્માર્ટ પોર્ટસિટી ટાગોર રોડના દક્ષિણે અદિપુર સાઇડ ઉપર ૫૮૦ એકરમાં સ્થાપિત કરાશે જ્યારે અન્ય પોર્ટસિટી ગાંધીધામમાં કેપીટી સંકુલ નજીક ૮૫૦ એકરમાં વિકસિત કરવામાં આવનાર છે. બંને સ્થળો ઉપર કુલ ૩૫૭૧૪ ફ્લેટ બનાવવામાં આવનાર છે. ઇમારતની મહત્તમ ઉંચાઈ ૧૨ મીટરની રહેશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ ૧૧૭૬ કરોડ રૂપિયાનો રહેશે. આમા રેસિડેન્ટ ટાવર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કોમર્શિયલ જગ્યાઓ જેમાં દુકાનો, કોમ્યુનિટિ સેન્ટર, પોલીસ ચોકી, ફાયર સ્ટેશન જેવી સુવિધા રહેશે. કંડલા પોર્ટ ટ્રસ્ટને વધુ આધુનિક અને સુવિધાથી સજ્જ કરવાના પ્રયાસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા હતા. કંડલા પોર્ટ ટ્રસ્ટ દેશના ૧૨ મોટા બંદરો પૈકીના એક તરીકે છે. કચ્છના અખાતમાં સ્થિત કંડલા પોર્ટ ટ્રસ્ટ પશ્ચિમી દરિયાકાંઠા ઉપર મોટા બંદરો પૈકીના એક તરીકે છે. કંડલા પોર્ટ ટ્રસ્ટને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટસિટી વિકસિત કરવા માટેની દરખાસ્તને મંજુરી મળી ગયા બાદ હજારોની સંખ્યામાં નવી રોજગારીની તકો ઉભી થશે. 
૬૦૦૦૦ લોકોને નોકરી મળે તેવા પ્રાથમિક અંદાજ સાથે આ સમગ્ર કવાયત આગળ વધી રહી છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા દરખાસ્ત મળ્યા બાદ કંડલા પોર્ટની આ દરખાસ્ત ઉપર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું હતું ત્યારબાદ બે ઓળખી કાઢવામાં આવેલા સ્થળો ઉપર સ્માર્ટસિટી બનાવવાને મંજુરીઆપી હતી.