ગુજરાતમાં 17 હજાર યુવાનોને સરકારી નોકરી આપવી છે : વિજય રૂપાણી

1899

ગુજરાતનાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આંનદના સમાચાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યુ કે, આ વર્ષે ૧૭ હજાર યુવાઓને સરકારી સેવાની તક આપવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલમાં કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે મેગા જોબ ફેરનો પ્રારંભ કરાવ્યો હતો. આ જોબફેરમાં સંબોધન કરતી વખતે વિજય રૂપાણીએ આ વાત કહી હતી અને યુવાશકિતને વ્યાપક રોજગાર અવસરો આપવા મેન્યૂફેકચરીંગ સેકટર સાથે સર્વિસ સેકટરને પણ જોબ ક્રિયેશન ક્ષેત્રે સાંકળી લેવાની નેમ વ્યકત કરી છે.

તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્ર-રાજ્યની એસેટ સમી યુવાશકિતને શિક્ષણથી સજ્જ કરી તેને યોગ્ય રોજગારી આપવાનું દાયિત્વ સરકારોએ નિભાવવાનું છે. સર્વિસ સેકટરમાં હોસ્પિટાલીટી, બેન્કીંગ, સિકયુરિટી વગેરે ક્ષેત્રો રોજગાર સર્જનમાં જોડવા છે.

વિજય રૂપાણીએ આ જોબ-ફેર દ્વારા એક જ છત્ર નીચે એક સાથે ૧૭૦૦ યુવાઓને રોજગાર અવસરો ઉપલબ્ધ કરાવવાના આ ઉપક્રમને બિરદાવ્યો હતો. વિજય રૂપાણીએ આ સાથે સી. આઇ. પટેલ ઇગ્લીંશ મીડીયમ સ્કુલના ઓડિટોરિયમનું પણ ઉદઘાટન કર્યુ હતું.

વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, રાજય સરકાર દર વર્ષે મેગા જોબ ફેર કરીને ઊદ્યોગ ગૃહોમાં સ્થાનિક યુવાઓને મોટા પાયે રોજગારી આપવા સંકલ્પબધ્ધ છે. ગુજરાત છેલ્લા ૧પ વર્ષથી રોજગારી આપવામાં નંબર-વન છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશમાં એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ દ્વારા અપાતી રોજગારીમાં ગુજરાત એકલું ૭૪ ટકા રોજગાર આપે છે. રાજ્યમાં ગારમેન્ટ અને એપરલ પોલીસી તહેત મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા મહિલા કારીગરો માટે રૂ. ૪ હજારની પે રોલ સહાય સરકાર ચૂકવે છે આના પરિણામે નારીશકિતને પણ વ્યાપક રોજગારીની તકો મળી છે.