ખેલ મહાકુંભ-૨૦૧૮માં રાજ્ય ભરમાંથી ૪૨ લાખથી વધુ રજીસ્ટ્રેશન

1125

રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી  ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે નામના અપાવવામાં ગુજરાતના યુવાનો સફળ થયા છે તે માત્ર ને માત્ર ખેલ મહાકુંભના આયોજનને આભારી છે. આજે રમતગમત ક્ષેત્રના વિકાસ અને આયોજન માટે ખેલ મહાકુંભ આશીર્વાદરૂપ બની ગયો છે. ચાલુ વર્ષે યોજાનાર ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી ૪૨ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

આજે ગાંધીનગર ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૮ના આયોજન માટે રાજ્યકક્ષાના માન્ય એસોસીએશનો સાથે યોજાયેલ બેઠકને સંબોધતા મંત્રી પટેલે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦થી રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન કર્યુ છે. પ્રતિ વર્ષ ખેલાડીઓમાં ઉત્તરોતર વધારો થયો અને આજે ૪૩ લાખ લોકો ભાગ લઇ રહ્યા છે. બાળકો, યુવાઓ અને વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે તેમાં એસોસીએશનને પણ પોતાનું યોગદાન સક્રિય રીતે આપશે તો ચોક્કસ ગુજરાત વધુ સર્વોચ્ચ શિખરે પહોચશે.

તેમણે રાજ્ય સરકાર દ્વારા યોજાઇ રહેલ ખેલ મહાકુંભ ૨૦૧૮માં એસોસીએશનોને ઉમદા કામગીરી કરવા પર ભાર મૂકતાં કહ્યુ કે, ખેલ મહાકુંભ-૨૦૧૮માં ખેલાડીઓને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાશે ત્યારે યુવાઓ પણ વધુ મહેનત કરે તે જરૂરી છે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ વી.પી. પટેલે કહ્યુ કે, ખેલ મહાકુંભના આયોજનને કારણે આજે રાજ્યના રમતવીરો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. આ વર્ષે ૪૨ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં ૫૭ ટકા એથલેટીક્સ, ૯.૩૨ ટકા કબડ્ડી, ૯.૪૦ ટકા ખો-ખો અને ૨૩.૫૨ ટકા અન્ય સ્પર્ધાઓમાં રજીસ્ટ્રેશન થયુ છે. ખેલ મહાકુંભની શરૂઆત રાજ્યમાં ૧૮મી સપ્ટેમ્બરથી થશે જેમાં શાળા-ગ્રામ્ય કક્ષાએ તા.૧૮/૯/૨૦૧૮ થી તા.૨૧/૯/૨૦૧૮ ચાર દિવસ માટે પાંચ સ્પર્ધાઓ યોજાશે. એ જ રીતે તા.૨૨/૦૯/૨૦૧૮ થી ૨૬/૦૯/૨૦૧૮ પાંચ દિવસ દરમિયાન તાલુકા કક્ષાએ આઠ સ્પર્ધાઓ યોજાશે અને તા.૨૦/૧૦/૧૮ થી તા.૦૩/૧૧/૧૮ કુલ ૧૫ દિવસ સુધી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૨૧ રમતો માટે અને તા.૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી એક માસ માટે રાજ્ય કક્ષાએ ૩૪ રમતો યોજાશે. આ વિજેતાઓને ૪૫ કરોડથી વધુ રકમના પ્રોત્સાહક ઇનામો અપાશે.

રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા સક્રિય છે. રાજ્યના ૨૦ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ કાર્યરત છે અને નવા આઠ જિલ્લામાં આગામી સમયમાં બનાવાશે. સાથે સાથે વિવિધ યોજનાકીય લાભો પણ રમતવીરોને પૂરા પડાતા હોઇ આજે યુવાનો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સેક્રેટરી કાપડીયાએ ખેલ મહાકુંભના આયોજન માટે પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત એસોસીએશનો સાથે તેમના પ્રશ્નો અને સૂચનો માટે જરૂરી માહિતી પણ આપી હતી.