ચૂંટણી પહેલા પી.એમ.એ કરેલી વાતો અને વાયદાનો હિસાબ આપો : શંકરસિંહ વાઘેલા

902

પેટ્રોલ-ડિઝલના ભાવવધારા માટે શરમ કરો બોલનારે અત્યારે શરમના માર્યા ડૂબી જવું જોઈએ. રૂપિયો ગગડે કે પેટ્રોલ-ડિઝલના ભાવ વધે એમાં પી. એમ. જવાબદાર છે તેવું કહેનારે આજે જવાબ આપવો જોઈએ.

આવકની લ્હાયમાં ટેક્ષ નાંખી મોંઘવારી લાવવા માટે જવાબદાર સરકાર છે. ગુજરાત સરકારને કહેવું છે કે તમે તો ટેક્ષ ઓછા કરી પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડો. ગેમ ચેઈન્જર બનવાને બદલે નેમ ચેઈન્જરનુ કામ જ કર્યું છે. પકોડા તરવા જેવી ન શોભે તેવી વાતો કરવી. માર્કેટીંગથી ચાલતી દિલ્હીની સરકાર છે. પાંચેક રાજયોમાં પ્રવાસ કર્યા છે. બીજેપી અને નોનબીજેપી આગેવાનોને મળ્યો છું. એક વર્ષ ફિડબેક મેળવવાની કોશીશ કરી. જેમાં રાજયોની દુનિયા અલગ અલગ છે. દિલ્હી સરકારના ભેદભાવથી રાજયો ત્રસ્ત છે. સમવાય તંત્રના સાથે મહાગઠબંધન કરવાના મતના છીએ.

બીજેપીના સામેના મતનું વિભાજન ન થાય અને તેની સામેના મતો એકની સામે એટલે કે ભાજપાની સામે રહે તેવા પ્રયત્નો કરતો રહીશ.  શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મે વડાપ્રધાન મોદીને ૨૧મે ૨૦૧૪માં વિદાય સમારંભ સમયે કહ્યું હતું કે આપે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. દેશ અને રાજ્યોમાં તમારી સરકાર છે. સાડા ચાર વર્ષ કેંદ્ર સરકારને થવા છતા જનતા વતી હિસાબ માગુ છું. કોઈ વ્યક્તિગત વાત કે ઉઘરાણી નથી, આ પ્રજા વતી ઉઘરાણી છે. પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપો છો. દેશના ખેડૂતોને ભાજપ સરકાર દગો કરી રહી છે. ખેડૂતોને વિજળી, સિંચાઈના પાણી પુરા પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ બની છે.

વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ત્રીજા મોરચા જેવું કશું હોતુ નથી. રાહુલ ગાંધીએ સેક્રીફાઈસની વાત કરી. ભાજપ સામે બધા વિપક્ષોએ એક થવું જોઇએ. ભાજપ સામે ત્રીજો અને પણ બીજો મોરચો બનવો જોઇએ. લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહીશ. યોજનાઓના માત્ર નામ બદલી નખાયા છે. ભાજપના તમામ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. હું ૨૦૧૯માં ભાજપની સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું. હું ઘર વાપસીની શોધમાં નથી. હું મારા ઠેકાણે જ છું. એનસીપીમાં જોડાવવાની અટકલો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી કે તેઓ એનસીપીમાં જોડાવવાના નથી.

રાજ્યસભાની ચૂંટણી બાદ ૧૪ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો હતો. કયા મુદ્દે બેઠક મળી હતી તે અંગેનો એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો ન હતો. બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, રામસિંહ પરમાર, રાઘવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.