ધારાસભ્યોના પગારમાં 25%નો વધારો

978

ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોના પગારમાં ધરમખમ વધારો કરવામાં આવ્યો છે. આ અંગેનું બિલ સર્વાનુમતે પસાર થયું હતું. ધારાસભ્યોના પગારમાં 25 ટકાના વધારાને વિધાનસભામાં સર્વાનુમતે મંજૂરી મળી છે.

નવા બિલ બાદ ધારાસભ્યોનો પગાર વધીને રૂ. 1,16,316 લાખ થયા છે. જ્યારે મંત્રીમંડળનો પગાર રૂ. 1.32 લાખ થયો છે. પગાર વધારા પહેલા ધારાસભ્યોનો પગાર રૂ. 70,937 હજાર હતો. આ ઉપરાંત વિપક્ષ નેતાને ટપાલ ખર્ચના જે રૂ. 1000 મળતાં હતા તે રકમ વધારીને રૂ. 10 હજાર કરવામાં આવી છે. ધારસભ્યોના પગાર અને ભથ્થા વધારાનો નિયમ પાછલી તારખી 22-12-2017થી લાગુ થશે.

ગુજરાત વિધાનસભાના સત્રના બીજા અને અંતિમ દિવસે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તરફથી પગાર અને ભથ્થા માટે સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે સર્વાનુમતે ગૃહમાં પસાર થઈ ગયું હતું. આ બિલ સરકારના એડન્ડામાં ન હોવાથી વિપક્ષના નેતાની મંજૂરી બાદ ગૃહમાં મૂકવામાં આવ્યું હતું.

છેલ્લા 2005માં ધારાસભ્યોના પગાર અને ભથ્થાના બિલમાં સુધારો કરવામાં આવ્યો હતો. બિલમાં રજુઆત કરાઈ હતી કે ધારાસભ્યોને અત્યાર સુધી ઉપ સચિવ કક્ષાનો પગાર મળે છે, તેમને નાયબ સચિવ કક્ષાનો પગાર આપવામાં આવે. બિલમાં દલીલો કરવામાં આવી હતી કે ધારાસભ્યોને જનસંપર્ક અધિકારી રાખવા પડે છે, પ્રવાસો કરવા પડે છે, સારા અને નરસા કાર્યક્રમોમાં હાજરી આપવી પડે છે. દરરોજ 15 કલાક અને ક્યારેક તેનાથી વધારે કામ કરવું પડે છે. હાલના પગારધોરણ પ્રમાણે જીવન નિર્વાહ ચલાવી શકાય તેમ નથી.